કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે એક ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. સુપ્રિમ કોર્ટે કેન્સરની દવાઓના આસમાને પહોંચેલા ભાવ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી, જેના પગલે સક્રિય બનેલા ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર એનપીપીએ (NPPA) દ્વારા કેન્સર વિરોધી 543 દવાઓના મહત્તમ રિટેલ ભાવમાં જંગી ઘટાડો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી મોંઘીદાટ કેન્સરની સારવાર હવે દર્દીઓ માટે થોડી સરળ બનશે અને સામાન્ય પરિવારના લોકો પણ આજીવન ચાલતી આ સારવારનો ખર્ચ ઉઠાવી શકશે.
આ નવા અને સસ્તા ભાવ દેશભરમાં 1 નવેમ્બરથી અમલમાં આવી ગયા છે, જ્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 27 ઓક્ટોબર 2026 સુધીમાં સુધારેલી યાદી પ્રમાણે ભાવ અમલી બનાવવાની શરૂઆત કરી દેવાની રહેશે. આ ઉપરાંત, સરકારે 137 કેન્સર વિરોધી દવાઓનું ટ્રેડ માર્જિન પણ 30 ટકા સુધી સીમિત કરી દીધું છે. રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગની સત્તાવાર યાદી મુજબ આ ભાવઘટાડા બાદ કેટલીક જીવજરૂરી દવાઓની કિંમતમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, આરપીજી લાઇફ સાયન્સિસની ફુલબ્રેકા (5 એમએલ વાયલ)નો ભાવ રૂ. 26,072.16થી ઘટીને સીધો રૂ. 5,491 થઈ ગયો છે, જ્યારે એબોટ હેલ્થકેરની બેવાસિજેબ (4 એમએલ વાયલ) જે અગાઉ રૂ. 21,767.70માં મળતી હતી તે હવે માત્ર રૂ. 5,930.1માં મળશે.
આ ઉપરાંત આરપીજીની જ ઇન્યુટા (28 કેપ્સ્યુલ્સ)નો ભાવ રૂ. 6,578.20થી ઘટીને રૂ. 2,232.0 થઈ ગયો છે અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની એઝાસિટિન (પેક-10) રૂ. 6,337થી ઘટીને રૂ. 1,495ના સામાન્ય ભાવે ઉપલબ્ધ થશે. નેટકો ફાર્માની ડેસન્ટ 20 (60 ટેબ્લેટ)નો ભાવ પણ રૂ. 2,812.50 સામે ઘટાડીને રૂ. 1,085.9 કરવામાં આવ્યો છે, જ્યારે એનારઝોલની કિંમત તો માત્ર રૂ. 695.76થી ઘટાડીને માત્ર રૂ. 73 જ કરી દેવામાં આવી છે. સરકારના આ મહત્વપૂર્ણ પગલા પાછળનો મુખ્ય હેતુ કેન્સરના દર્દીઓ સુધી જરૂરી દવાઓ વધુને વધુ વાજબી અને પરવડે તેવા ભાવે પહોંચાડવાનો છે, જેથી મોંઘી દવાઓના લીધે કોઈ દર્દીની સારવાર અધૂરી ન રહે.
