અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક દાદીના અવસાન બાદ બેંકના સેફ-ડિપોઝિટ બોક્સ એટલે કે લોકરને લઈને શરૂ થયેલો પરિવારનો વિવાદ અત્યારે ચર્ચામાં છે. ઓગસ્ટ 2019માં જોયસ કેઝાયા નામના મહિલાના નિધન બાદ તેમના નાતીએ લોકર ખોલ્યું હતું, જેમાં માત્ર 16,000 ડૉલર હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે, પરિવારના અન્ય સભ્યોએ લોકરમાં 400,000 ડૉલર રોકડા, 8 કેરેટની ડાયમંડ રિંગ અને સોનાના સિક્કા હોવાનો દાવો કર્યો હતો. આ મામલે મૃતકની ભત્રીજી કેઝાયા સ્ટીફન્સે કોર્ટમાં કેસ જીતીને લગભગ 796,905 ડૉલરનું વળતર મેળવ્યું હતું, પરંતુ તાજેતરમાં ટેક્સાસની એક અપીલ કોર્ટે આ ચૂકાદો પલટી નાખ્યો છે અને ભત્રીજીને કશું જ નહીં મળે તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2019માં થઈ જ્યારે જોયસ કેઝાયાની તબિયત બગડતાં તેમના નાતી નેથાનાઈલ રેગિશને તેમની દેખરેખ માટે જવાબદારી સોંપાઈ હતી. દાદીના નિધન પછીના દિવસે જ રેગિશે પોતાની માતા સાથે બેંકમાં જઈને લોકર ખાલી કર્યું હતું અને તેમાં માત્ર 16,000 ડૉલર મળ્યા હોવાનું કહીને તે રકમ ટ્રસ્ટ અકાઉન્ટમાં જમા કરાવી હતી. બીજી તરફ, મૃતકની પુત્રી લેક્સુએ દાવો કર્યો હતો કે તેણે એક હોટેલ રૂમમાં આ લોકરની વસ્તુઓ જોઈ હતી, જેમાં 10,000 ડૉલરના હિસાબે 40 બંડલ એટલે કે કુલ 400,000 ડૉલર રોકડા, એક કિંમતી ડાયમંડ રિંગ અને અનેક સોનાના સિક્કા હતા. મૃતકની ભત્રીજી સ્ટીફન્સ, જેનું નામ બેંકના લોકર એગ્રીમેન્ટમાં હતું પરંતુ તેણે ક્યારેય લોકર ખોલ્યું નહોતું, તેણે રેગિશ અને તેની માતા સામે ફ્રોડ અને પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે હટાવવાનો કેસ કરી દીધો હતો. નીચલી કોર્ટની જ્યુરીએ સ્ટીફન્સની તરફેણમાં ફેંસલો આપીને રેગિશને મોટો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
આ ચૂકાદા સામે રેગિશે અપીલ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો, જ્યાં કોર્ટે લોકરમાં ખરેખર શું હતું તેની ચર્ચા કરવાને બદલે કાયદાકીય પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અપીલ કોર્ટના જજનું માનવું હતું કે રેગિશે આ કાર્યવાહી સત્તાવાર ક્ષમતામાં કરી હતી અને પ્રોપર્ટી એસ્ટેટની વહેંચણીમાં સામેલ હતી. નિયમ મુજબ સ્ટીફન્સે એસ્ટેટ બંધ થાય તે પહેલાં પોતાની દાવો સત્તાવાર રીતે રજૂ કરવો જરૂરી હતો, જે તેણે કર્યો નહોતો. કોર્ટે નોંધ્યું કે સ્ટીફન્સે યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન કરવાને કારણે ટેક્સાસ એસ્ટેટ કોડ હેઠળ તેનો દાવો ટકી શકે તેમ નથી. આ સાથે જ કોર્ટે અગાઉનો 796,906 ડૉલરનો દંડ રદ કરી દીધો છે અને ભત્રીજીને આ કેસમાં કોઈ જ રાહત નહીં મળે તેમ સ્પષ્ટ કર્યું છે.
