JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ભવિષ્યમાં પૈસાની કોઈ કિંમત નહીં રહે, એલન મસ્કે એઆઈ અને રોબોટ્સને લઈને કરી મોટી ભવિષ્યવાણી

Oct 29, 2026 | 17:46 | By JAMNAGAR MIRROR
ભવિષ્યમાં પૈસાની કોઈ કિંમત નહીં રહે, એલન મસ્કે એઆઈ અને રોબોટ્સને લઈને કરી મોટી ભવિષ્યવાણી
ટેક અબજોપતિ એલન મસ્કના મતે એઆઈ અને રોબોટિક્સ ભવિષ્યમાં એટલી બધી સમૃદ્ધિ લાવશે કે પૈસાનું મહત્ત્વ ઘટવા લાગશે. તેમણે કહ્યું છે કે દૂરના ભવિષ્ય માટે પૈસા બચાવવા વ્યર્થ છે અને વ્યાપક બેરોજગારી સામે નિપટવા યુનિવર્સલ હાઈ ઇન્કમનો વિકલ્પ કારગર સાબિત થશે.

ટેક વર્લ્ડના દિગ્ગજ અને અબજોપતિ એલન મસ્કે ફરી એકવાર દુનિયા સમક્ષ એક મોટું અને ચોંકાવનારૂં ભવિષ્ય દર્શન મૂક્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરની પોસ્ટનો જવાબ આપતી વખતે મસ્કે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે એઆઈ સંચાલિત અતિ-સમૃદ્ધિના યુગમાં દૂરના ભવિષ્ય માટે પૈસાની બચત કરવી તદન નકામી છે. મસ્કની આ ભવિષ્યવાણી દર્શાવે છે કે આવનારા સમયમાં આપણી પરંપરાગત આર્થિક વ્યવસ્થાઓ અને નાણાકીય વિચારોમાં ધરખમ ફેરફારો થવાના છે, કારણ કે ટેકનોલોજી હવે દુનિયાને એક નવા જ મુકામ પર લઈ જઈ રહી છે.

મસ્કે આ અગાઉ પીટર ડાયમેન્ડિસ સાથેના એક ઇન્ટરવ્યુમાં પણ એવી કલ્પના રજૂ કરી હતી કે એક સમય એવો આવશે જ્યારે માનવ શ્રમ મરજીયાત બની જશે અને કરન્સીનું અસ્તિત્વ જ નહીં રહે. તેમના મતે એઆઈ અને રોબોટ્સ એટલી બધી વસ્તુઓ અને સર્વિસનું ઉત્પાદન કરશે કે માનવીઓ માટે ખાસ કામ કરવાનું બાકી નહીં રહે. રોબોટિક લેબર સસ્તું અને અવિરત હોવાથી પ્રોડક્શન કોસ્ટ ઘટીને લગભગ શૂન્ય થઈ જશે અને રિટેલ પ્રાઈસ પણ તળિયે બેસી જશે. જ્યારે ડાયમેન્ડિસે મસ્કની અબજોપતિ હોવાની સ્થિતિ પર કટાક્ષ કર્યો ત્યારે મસ્કે હસતા હસતા સ્વીકાર્યું હતું કે હા, જ્યારે દુનિયામાં પૈસાનું મૂલ્ય ઘટશે ત્યારે કદાચ આ બધું બદલાઈ ચૂકેલું હશે.

આવા ભવિષ્યમાં ઓટોમેશનને કારણે પેદા થનારી વડાક અથવા મોટા પાયે બેરોજગારી સામે પહોંચી વળવા માટે મસ્કે યુનિવર્સલ હાઈ ઇન્કમનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. એપ્રિલ મહિનામાં તેમણે સરકાર દ્વારા જારી થતા ચેક્સ દ્વારા નાગરિકોને આર્થિક સુરક્ષા આપવાની વાત કરી હતી જેથી દરેક વ્યક્તિ આ સ્વચાલિત સમૃદ્ધિનો લાભ લઈ શકે. મસ્કના તર્ક મુજબ એઆઈના કારણે ચીજવસ્તુઓનું ઉત્પાદન નાણાં પુરવઠા કરતા એટલી ઝડપથી વધશે કે તેનાથી મોંઘવારી નહીં વધે. ટૂંકમાં, ટેકનોલોજીની આ ક્રાંતિ આપણી પરંપરાગત અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાખવા માટે તૈયાર બેઠી છે.

LATEST ARTICLES