JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ગુજરાતમાં બાયો-CNG પ્લાન્ટ સ્થાપવા GPCBની મંજૂરી લેવાની ઝંઝટમાંથી મુક્તિ, ઉદ્યોગો માટે બિઝનેસ શરૂ કરવો બન્યો વધુ સરળ

Oct 29, 2026 | 17:45 | By JAMNAGAR MIRROR
ગુજરાતમાં બાયો-CNG પ્લાન્ટ સ્થાપવા GPCBની મંજૂરી લેવાની ઝંઝટમાંથી મુક્તિ, ઉદ્યોગો માટે બિઝનેસ શરૂ કરવો બન્યો વધુ સરળ
ગુજરાતમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગોની પ્રક્રિયા સરળ બનાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે પાત્રતા ધરાવતા બાયો-CNG અને CBG પ્લાન્ટ્સને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCB પાસેથી સ્થાપના કે સંચાલન માટેની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નવા નિયમથી લાલ ફીતાશાહી ઘટશે અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને વેગ મળશે.

ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB દ્વારા સુધારવામાં આવેલા વ્હાઇટ કેટેગરીના વર્ગીકરણનો અમલ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, નિર્ધારિત શરતો અને કાચા માલનો ઉપયોગ કરતા પાત્ર કમ્પ્રેસ્ડ બાયોગેસ અને બાયો-CNG પ્લાન્ટ્સનો વ્હાઇટ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. આ ફેરફારથી હવે પ્લાન્ટ નાખવા માટે GPCB પાસેથી અલગથી સ્થાપના માટેની સંમતિ એટલે કે CTE અને સંચાલન માટેની સંમતિ એટલે કે CTO મેળવવાની જરૂર નહીં પડે. આ જોગવાઈનો રાજ્યભરમાં એકસમાન અમલ થાય તે માટે GPCB દ્વારા 28 ઓક્ટોબર, 2026ના રોજ એક સામાન્ય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેથી ઉદ્યોગકારોએ કોઈ મુક્તિપત્ર માટે અલગથી ધક્કા ખાવા નહીં પડે.

અગાઉ GPCB દ્વારા CPCBના નિયમો મુજબ વ્હાઇટ કેટેગરીની 768 ઔદ્યોગિક પ્રવૃત્તિઓની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં નિર્ધારિત શરતોને આધીન CBG પ્લાન્ટનો ક્રમાંક 763 અને 768 પર સમાવેશ કરાયો છે. આ મુક્તિ મળવાનો અર્થ એ નથી કે ઉદ્યોગો પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના 12 નવેમ્બર, 2024ના જાહેરનામા મુજબ વ્હાઇટ કેટેગરીના એકમોએ બોર્ડને માત્ર નિર્ધારિત રીતે જાણ કરવાની અને પર્યાવરણીય નિયમોનું પાલન કરવાની સ્વ-ઘોષણા રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત, ગોબરધન પોર્ટલ પર નોંધણી કે અન્ય સરકારી સહાય માટે અરજી કરતી વખતે પણ વિવિધ સત્તાધિકારીઓ દ્વારા અલગથી NOC કે ક્લિયરન્સ માંગવામાં આવતું હતું, પરંતુ હવે GPCBએ સ્પષ્ટ કર્યું છે કે કોઈએ પણ અલગથી NOC કે મંજૂરી માંગવાની જરૂર નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા રાજ્ય મંત્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી બિનજરૂરી કાગળની કાર્યવાહી અને વિલંબ અટકશે. આ પહેલથી કચરામાંથી કિંમતી સંસાધનો અને સ્વચ્છ ઊર્જા તૈયાર કરતા પ્રોજેક્ટ્સને ખૂબ જ ઝડપી વેગ મળશે તેમજ ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ મળશે. વ્હાઇટ કેટેગરીની આ સુધારેલી યાદી અને જાહેરનામાની વધુ વિગતો માટે ઉદ્યોગકારો GPCBની સત્તાવાર વેબસાઇટ gpcb.gujarat.gov.in ની મુલાકાત લઈ શકે છે.

LATEST ARTICLES