JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં લાઈટ ફિટિંગ કરતા યુવાનનું કરુણ મૃત્યુ અને કાલાવડમાં પરિણીતાનો આપઘાત

Oct 29, 2026 | 17:35 | By JAMNAGAR MIRROR
જામનગરમાં લાઈટ ફિટિંગ કરતા યુવાનનું કરુણ મૃત્યુ અને કાલાવડમાં પરિણીતાનો આપઘાત
જામનગરના હાપા વિસ્તારમાં મંદિર પાસે લાઈટ ફિટિંગ કરતી વેળાએ વીજ આંચકો લાગવાથી 21 વર્ષના યુવાનનું મોત થયું છે, જ્યારે કાલાવડમાં લાંબી બીમારીથી કંટાળીને 39 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

જામનગર પંથકમાં રવિવારે રાત્રે બનેલી બે અલગ-અલગ દુખદ ઘટનાઓએ પરિવારજનોને શોકમાં ડૂબાડી દીધા છે. પ્રથમ બનાવ જામનગર નજીકના હાપા વિસ્તારમાં બન્યો હતો, જ્યાં મંડપ સર્વિસનું કામ કરતા એક યુવાનને હેલોજન લાઈટ ફિટિંગ કરતી વખતે અચાનક વીજ આંચકો લાગ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવાન ફેંકાઈ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. તો વળી, બીજી તરફ કાલાવડ શહેરમાં પણ એક ઘરતી ઘટના સામે આવી છે, જ્યાં ગંભીર બીમારીથી પરેશાન એક પરિણીતાએ કંટાળીને આત્મહત્યાનું પગલું ભરી લીધું છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ, જામનગરના યોગેશ્વરનગરમાં રહેતા 21 વર્ષના શિવમભાઈ વલ્લભભાઈ રાઠોડ ગત રવિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં હાપાના ચારણ વિસ્તારમાં વેલનાથબાપાના મંદિર પાસે મંડપ સર્વિસનું કામ કરવા ગયા હતા. આ દરમિયાન તેઓ હેલોજન લાઈટ ફિટ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પ્રવાહ અડફેટે આવી જતાં તેમને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ દુર્ઘટનામાં યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જે અંગે મૃતકના ભાઈ કાલીચરણ વલ્લભભાઈ રાઠોડે પોલીસને જાણ કરી હતી. જ્યારે બીજા બનાવમાં કાલાવડના સરદારપાર્ક શેરી નં 7 માં રહેતા અને મૂળ ધોરાજીના જાંજમેર ગામના વતની 39 વર્ષના રશ્મીબેન હિતેશભાઈ અજુડીયા લાંબા સમયથી ખંજવાળની તકલીફ અને માથાના દુખાવાથી પીડાતા હતા.

આ અસાધ્ય બીમારી અને સતત રહેતી પીડાથી કંટાળી ગયેલા રશ્મીબેને ગઈકાલે સવારે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક તેમને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પતિ હિતેશભાઈ મનસુખભાઈ અજુડીયાએ પોલીસને જાણ કરી છે. હાલ આ બંને અકુદરતી મૃત્યુના બનાવોને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે.

LATEST ARTICLES