સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ મોઢું ફેરવી લેતા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત માહોલ સર્જાયો છે. ખેતી નિષ્ફળ જવાના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં માણસોને પીવાનું પાણી માંડ મળે છે ત્યારે માલઢોરને કેવી રીતે સાચવવા તે મોટો સવાલ બની ગયો છે. ઘાસચારો અને પાણીની ભારે અછતના કારણે ખેડૂતો પોતાના વર્ષો જૂના સાથી અને પરિવારના સભ્ય જેવા વ્હાલસોયા બળદોને તરછોડવા માટે મજબૂર બન્યા છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા દેવગામ પાટીયા નજીક સદ્દભાવના બળદ આશ્રમમાં હાલ મોટી સંખ્યામાં ખેડૂતો ભારે હૈયે પોતાના બળદોને મૂકવા આવી રહ્યા છે.
આ આશ્રમમાં દુષ્કાળ પહેલા માત્ર 2 હજાર જેટલા જ બળદો હતા, જે આંકડો હવે વધીને સીધો 8 હજારે પહોંચી ગયો છે. ખાસ કરીને છેલ્લા 20 દિવસમાં જ આશ્રમમાં 6 હજાર જેટલા નવા બળદો આવ્યા છે, જેમાં મોટા ભાગના ખેડૂતો જામનગર અને દ્વારકા જિલ્લાના છે. આશ્રમમાં આવેલા 60 ટકાથી વધુ બળદો આ જ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી આવ્યા છે. ખેડૂતો છેલ્લા 15 વર્ષથી પોતાના દીકરાની જેમ ઉછરેલા આ અબોલ જીવોને છોડતી વખતે આસુઓ રોકી શકતા નથી. એક તંદુરસ્ત બળદને રોજનો 20 થી 25 કિલો ચારો જોઈએ છે અને આશ્રમને માત્ર બળદોના નિભાવ પાછળ દર મહિને 12 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. હાલ આશ્રમ દ્વારા ટેન્કર મંગાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ અબોલ જીવો અને ખેડૂતોની આ દયનીય હાલત જોઈને સૌની આંખો ભીની થઈ જાય છે.
બળદો વિના ખેડૂતોની વાડીઓ પણ હવે વાંજણી લાગવા માંડી છે અને માલિક વિના આશ્રમમાં આવેલા આ અબોલ જીવોને પણ ફાવતું નથી, તેઓ પણ ખૂબ નિરાશ રહે છે. ખેડૂતોનું કહેવું છે કે બળદ સાથેનો તેમનો સંબંધ માત્ર ખેતી પૂરતો સીમિત નથી પરંતુ તે તેમના પરિવારના સભ્ય જેવા છે, પરંતુ લાચારીવશ તેમને આ પગલું ભરવું પડે છે. જો સરકાર સમયસર આગળ આવીને પશુઓ માટે ઘાસચારા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરે, તો કદાચ ગરીબ ખેડૂતોને પોતાના વ્હાલસોયા સાથીઓથી વિખૂટા પડવાની આ દુઃખદ નોબત ક્યારેય ન આવે. ખેડૂતો અત્યારે માત્ર ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે વહેલી તકે સારો વરસાદ આવે અને તેઓ પોતાના બળદોને પાછા પોતાના ઘરે લઈ જઈ શકે.
