JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટ સોની બજારમાં મોટો ફ્રોડ, રૂા.7.77 કરોડનું સોનું અને રોકડ લઈને મારૂતિ જવેલર્સનો સંચાલક ફરાર

Oct 29, 2026 | 18:05 | By JAMNAGAR MIRROR
રાજકોટ સોની બજારમાં મોટો ફ્રોડ, રૂા.7.77 કરોડનું સોનું અને રોકડ લઈને મારૂતિ જવેલર્સનો સંચાલક ફરાર
રાજકોટના જાણીતા સોની બજારમાં વિશ્વાસઘાતની મોટી ઘટના સામે આવી છે. મારૂતિ જવેલર્સના સંચાલકે અન્ય વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને અચાનક મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. આ મામલે પોલીસ ચોપડે ગુનો નોંધાતા સોની બજારમાં ચકચાર મચી ગઈ છે.

રાજકોટ શહેરના હાર્દ સમાન સોની બજાર વિસ્તારમાં અમીરોની ઠગાઈનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લાંબા સમયથી વેપાર કરતા એક બુલિયન વેપારીએ સાથી વેપારીઓનો ભરોસો જીતીને તેમની સાથે જ મોટો વિશ્વાસઘાત કર્યો છે. ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, સોની બજારની જુની ગધીવાડ શેરીમાં ક્રિષ્ના ચેમ્બર્સમાં ’રમેશચંદ્ર એન્ડ સન્સ’ પેઢી ચલાવતા અને છેલ્લા 15 વર્ષથી સોનીકામ કરતા જતીનભાઈ પાટડીયાએ ગઢની રાંગની શેરીમાં ’મારૂતિ જવેલર્સ’ ચલાવતા બુલિયન વેપારી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતીલાલ લોઢિયા સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જતીનભાઈ આ આરોપીને છેલ્લા દોઢ-બે વર્ષથી ઓળખતા હતા અને કમીશન પર સોનાનો નિયમિત વેપાર કરતા હોવાથી આરોપીએ આસાનીથી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

ગત તારીખ 26 ઓક્ટોબર 2026ના રોજ આરોપીએ ફોન કરીને સોનાની માંગણી કરી હતી અને પોતાના માણસ મારફતે કટકે-કટકે કુલ 5 કિલો ફાઇન સોનું મેળવી લીધું હતું, જેની બજાર કિંમત આશરે રૂ. 7,25,00,000/- થાય છે. આ સોનું બજારના નિયમ મુજબ 24 કલાકમાં પરત કરવાનું હતું. આ ઉપરાંત અન્ય વેપારીઓ પણ આ ઠગાઈનો ભોગ બન્યા હતા, જેમાં ’ઓમ ગોલ્ડ’ ના નિલેશભાઈ માંડલીયાએ 200 ગ્રામ સોના માટે રૂ. 29,05,177/-, ’મનોજકુમાર મથુરાદાસ એન્ડ સન્સ’ ના માલિકે 100 ગ્રામ સોના માટે રૂ. 14,55,500/- અને ’માધવ ઓર્નામેન્ટ્સ’ ના હિતેશભાઈ માંડલીયાએ 60 ગ્રામ સોના માટે રૂ. 8,73,000/- ઓનલાઈન RTGS અને NEFT મારફતે ચૂકવ્યા હતા, પરંતુ આરોપીએ આ નાણાં લીધા પછી પણ તેમને સોનું આપ્યું નહોતું.

તારીખ 27 ઓક્ટોબર 2026ના રોજ સોનું પરત માંગવા જતા આરોપીએ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સોનું પહોંચાડવાનું કહીને બાદમાં પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ફરિયાદીએ તેના રેસકોર્સ રીંગ રોડ પાછળ કલ્યાણ પાર્ક સ્થિત ઘેર જઈ તપાસ કરતા પિતાને પણ આ અંગે કોઈ જાણ નહોતી, અને આખરે આરોપી બધું સોનું અને વેપારીઓની રોકડ રકમ મળીને કુલ રૂ. 7,77,33,677/- નું કૌભાંડ આચરીને નાસી છૂટ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર સોની બજારમાં હડકંપ મચી ગયો છે અને પોલીસે આ મામલે આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.

LATEST ARTICLES