જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા પોલીસે રૂ।. 18 લાખની કિંમતના ઘઉંના જથ્થાને ઝડપી પાડ્યો હતો. આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરતા સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાંથી આ અનાજ ચોરાયા હોવાનું અને પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારે ઘઉંની ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સરકારી ગોડાઉનમાંથી ચોરાયેલા રૂ।. 18 લાખના આ ઘઉંનો જથ્થો અમરશીભાઈ છગનભાઈ ભંડેરી નામના વેપારીએ ખરીદી લીધો હતો. આ બાબત પ્રકાશમાં આવતા જ પોલીસે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધીને વેપારી અમરશીભાઈ સહિતના શખ્સોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.
જેલવાસ ભોગવી રહેલા આરોપી વેપારી અમરશીભાઈ ભંડેરીએ જામીનમુક્ત થવા માટે અદાલતમાં અરજી દાખલ કરી હતી. અદાલતમાં આરોપીના વકીલો રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર.ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા અને કરણ પટેલ દ્વારા કાનૂની દલીલો રજૂ કરવામાં આવી હતી, જેને અદાલતે ગ્રાહ્ય રાખી હતી અને અંતે આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી.
