ખંભાળીયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 9 માં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તાર નગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાંથી બનેલો છે, જ્યાં પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. સતત 1 મહિનાથી નળમાં એક ટીપુંય પાણી ન આવતા આખરે ત્રાસી ગયેલી 150 થી 200 જેટલી મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ મોટી સંખ્યામાં પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. કચેરીમાં પ્રવેશતા જ મહિલાઓએ "પાણી આપો, પાણી આપો" ના નારા લગાવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે આખી પાલિકા કચેરીમાં મહિલાઓની જ ભીડ છવાઈ ગઈ હતી.
આ વિરોધ પ્રદર્શનમાં કાજલબેન સોનગરા, રામુબેન નકુમ અને કાંતાબેન નકુમ સહિતની અગ્રણી મહિલાઓએ પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ જો મહિનાઓ સુધી વલખાં મારવા પડે તો સામાન્ય જનતાએ ક્યાં જવું? નગરપાલિકા તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સાંજ સુધીમાં પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવી જશે. પરંતુ વિફરેલી મહિલાઓ હવે માત્ર ખાવાનાં આશ્વાસનોથી માનવા તૈયાર નથી અને તેમણે કડક વલણ અપનાવ્યું છે.
મહિલાઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણી પુરવઠો ચાલુ નહીં થાય તો દરરોજ 100 થી 200 મહિલાઓ નગરપાલિકા કચેરીએ આવશે અને ખાલી બેડા લઈને ધરણા પર બેસી જશે. પાણીના ગંભીર પ્રશ્ને તંત્ર દ્વારા સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.
