સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં શાળા, તાલુકા અને જિલ્લા કક્ષાએ ચિત્ર, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઉત્તરોત્તર કક્ષાએ વિજેતા બનતા જઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની રાવલ કન્યાશાળા 1 ની ધોરણ 7 ની વિદ્યાર્થીની આયાતે અમદાવાદમાં આગવું સ્થાન મેળવ્યું હતું. અમદાવાદના પ્રખ્યાત ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનમાં તેણે ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાના જોરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં આયાતે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ નંબર હાંસલ કર્યો છે અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ ગર્વની ક્ષણે તેને મંત્રી પ્રદ્યુમન વાજા અને મંત્રી રિવાબા જાડેજાના વરद હસ્તે સન્માનિત કરવામાં આવી હતી. નાની ઉંમરે મેળવેલી આ મોટી સફળતાથી શાળા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ સિદ્ધિ બાદ વિજેતા વિદ્યાર્થિની આયાતને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સમગ્ર શિક્ષણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ પ્રકારની સ્પર્ધાઓથી ગ્રામ્ય વિસ્તારના બાળકોની પ્રતિભાને મોટું પ્લેટફોર્મ મળતું હોવાની સરાહના પણ થઈ રહી છે.
