JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

લાલપુરના ખેડૂતો માટે સહાય વધારવા અને દેવું માફ કરવાની માંગ, સરપંચોએ આપ્યું આવેદનપત્ર

Oct 29, 2026 | 17:28 | By JAMNAGAR MIRROR
લાલપુરના ખેડૂતો માટે સહાય વધારવા અને દેવું માફ કરવાની માંગ, સરપંચોએ આપ્યું આવેદનપત્ર
ગુજરાત સરકાર દ્વારા લાલપુર તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા બાદ ખેડૂતોને અપાઈ રહેલી સહાય અપૂરતી હોવાની રજૂઆત થઈ છે. લાલપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને સહાયની રકમ વધારવા અને ખેતીલક્ષી દેવું સંપૂર્ણ માફ કરવાની માંગ કરાઈ છે.

ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના અભાવે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ખેડૂતોને ખેતીમાં ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદની ખેંચને કારણે પાકના ઉત્પાદન પર અત્યંત માઠી અસર પડી છે અને અન્નદાતાઓની આર્થિક કમર ભાંગી ગઈ છે. ખેડૂતોએ વાવેતર માટે મોંઘા ભાવનું બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ મજૂરી પાછળ જંગી ખર્ચ કર્યો હતો, પરંતુ વરસાદ ન વરસવાને કારણે સામે પૂરતું ઉત્પાદન મળવાની કોઈ જ શક્યતા રહી નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાલપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે.

સરકારે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર તો કર્યો છે, પરંતુ ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રૂ।. 8500 ની જે સહાય અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, તે વાસ્તવિક સ્થિતિ સામે ખૂબ જ ઓછી છે. મોટાભાગના ખેડૂતો પાસે વધુ જમીન હોવા છતાં માત્ર 2 હેક્ટરની મર્યાદાને કારણે તેમને નુક્સાનના પ્રમાણમાં પૂરતી રાહત મળતી નથી. આ તમામ વિસંગતતાઓને લઈને લાલપુર તાલુકાના સરપંચો લાલપુર તાલુકા સરપંચ એસોસિએશનના નેજા હેઠળ એકઠા થયા હતા અને લાલપુરના પ્રાંત અધિકારીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રના માધ્યમથી સરપંચો અને ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે ખેડૂતોને વાસ્તવિક રાહત મળે તે માટે હાલની સહાયની જોગવાઈમાં મોટો વધારો કરવામાં આવે. આ ઉપરાંત, દુષ્કાળ જેવી વિકટ પરિસ્થિતિમાં ઘેરાયેલા અન્નદાતાઓને બેઠા કરવા માટે ખેતીલક્ષી તમામ પ્રકારનું દેવું માફ કરવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેથી કથળેલી આર્થિક સ્થિતિમાંથી ખેડૂતો બહાર આવી શકે.

LATEST ARTICLES