જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પ્રક્રિયા તા. 29 ના રોજ અત્યંત શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ મળેલી નિયામક મંડળની બેઠકમાં સંઘના નવા સુકાનીની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રના જાણીતા અગ્રણી અને ધ્રોલ તાલુકાના હમાપર ગામના જેન્તીભાઈ મંઢ (આહિર) ની સંઘના ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમની સાથે જ વાઈસ ચેરમેન પદે જશુબેન લાખાભાઈ ચીરોડીયા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
ચેરમેન અને વાઈસ ચેરમેન એમ બંને મહત્વના હોદ્દાઓ માટે સર્વસંમતિ સધાતાં કોઈ ચૂંટણી વગર જ આ વરણી થઈ હતી. બિનહરીફ વરણી બાદ નવનિયુક્ત ચેરમેન જેન્તિભાઈ મંઢે જણાવ્યું હતું કે, જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતનું હંમેશા રક્ષણ કરવામાં આવશે. દૂધ સંઘની કામગીરીને વધુ સુદૃઢ બનાવીને પશુપાલકોને તેમના દૂધના પૂરેપૂરા પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાથમિકતાના ધોરણે કામ કરવામાં આવશે. જ્યારે વાઈસ ચેરમેન જશુબેન ચીરોડીયાએ પણ ખાસ કરીને મહિલા પશુપાલકોના ઉત્થાન માટે કામ કરવાની અને સંઘના વિકાસમાં પોતાનો સક્રિય સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ બંને નેતાઓની બિનહરીફ વરણીના સમાચાર મળતા જ જિલ્લાના સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદકો અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને પુષ્પગુચ્છ તથા હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નવી વહીવટી ટીમ આવવાથી આગામી સમયમાં જિલ્લાના પશુપાલન ક્ષેત્રે નવા વિકાસના કાર્યો થવાની આશા બંધાઈ છે.
