જામનગર નજીક આવેલા સિક્કા ખાતે ગત 18-1-2021ના રોજ દિગ્વિજય ગ્રામ પંચાયત સંચાલિત કોલેજમાં એસવાય બી.કોમની પરીક્ષા ચાલી રહી હતી. આ પરીક્ષા દરમિયાન અક્ષય હસમુખભાઈ વાઘેલા નામના વિદ્યાર્થીને કોપી કરતા અટકાવીને કોલેજના પ્રિન્સીપાલ ડો. એમ.એ. જાડેજાએ તેને આગળની બેચ પર બેસી જવા માટે સૂચના આપી હતી. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાઈને વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં જ પ્રિન્સીપાલ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને તેમના પર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કેસ અદાલતમાં ચાલ પર આવતા બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી, જેમાં આરોપી વિદ્યાર્થી અક્ષય વાઘેલા તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર અને હિતેશ ગાગીયાએ કેસ લડ્યા હતા. વકીલો દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે સમગ્ર કેસની ચકાસણી કરી હતી.
આ કેસની લાંબી સુનાવણી અંતે અદાલતે પૂરતા પુરાવાના અભાવે કે કોર્ટમાં આરોપ સાબિત ન થઈ શકવાને કારણે આરોપી અક્ષય વાઘેલાને આ ગુનામાંથી નિર્દોષ જાહેર કરીને તેનો સત્તાવાર રીતે છૂટકારો કર્યો છે, જેના કારણે પાંચ વર્ષ જૂના આ વિવાદનો અંત આવ્યો છે.
