બાંગ્લાદેશમાં વર્ષ 2024માં થયેલા હિંસાત્મક આંદોલન અને હત્યાકાંડ મામલે કોર્ટે એક મોટો અને કડક ચુકાદો આપ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રીને પશ્ચિમ કુશ્ટિયા ડિસ્ટ્રિક્ટમાં 6 લોકોની હત્યા કરવાના ગુનામાં કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે અન્ય 3 નેતાઓને પણ દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે દેશમાં તે હિલચાલ અને હિંસાની ઘટનાઓની તપાસ ઝડપથી ચાલી રહી છે, જેના કારણે શેખ હસીનાની સરકાર સત્તા પરથી ઉખડી ગઈ હતી.
ત્રણ સભ્યોની બનેલી ટ્રિબ્યુનલે પૂર્વ મંત્રી અને અવામી લીગના જોઈન્ટ જનરલ સેક્રેટરી એમડી મહબૂબુલ આલમ હનિફને ગેરહાજરીમાં ફાંસીની સજા આપી છે. ચીફ પ્રોસિક્યુટર એમડી અમીનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે દોષિતો સામેના આરોપો નિશંકપણે સાબિત થયા છે. ટ્રિબ્યુનલે આ ચુકાદામાં એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતોની અચલ મિલકતોમાંથી અડધો ભાગ જપ્ત કરવામાં આવે, જેથી આંદોલન દરમિયાન માર્યા ગયેલા કે ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને વળતર આપી શકાય. જો કે, સરકારી વકીલ દ્વારા આ વરડિક્ટને અસ્વીકાર્ય ગણાવવામાં આવ્યો છે.
યુનાઈટેડ નેશન્સના અહેવાલ મુજબ જુલાઈ અને ઓગસ્ટ 2024 વચ્ચે થયેલા આ વિદ્યાર્થી આંદોલનને દબાવવાના પ્રયાસમાં આશરે 1400 લોકો માર્યા ગયા હતા, જેના કારણે શેખ હસીનાનું 15 વર્ષનું શાસન સમાપ્ત થયું હતું અને તેઓ ઓગસ્ટ 2024માં હેલિકોપ્ટર દ્વારા દેશ છોડીને ભાગી ગયા હતા. આ આંદોલન સાથે જોડાયેલા ગુનાઓમાં અત્યાર સુધીમાં કુલ 72 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી 23 લોકોને ફાંસીની સજા થઈ ચૂકી છે પરંતુ તેમાંથી માત્ર 4 જ લોકો કસ્ટડીમાં છે. હાલના વડાપ્રધાન તારિક રહેમાનની સરકારે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે, જ્યારે 78 વર્ષીય હસીનાએ ડિસેમ્બરમાં પોતાની જાતે દેશમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.
