JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગુજરાતને બે નવી ટ્રેનની ભેટ, વડાપ્રધાન મોદી 30 ઑક્ટોબરે સાબરમતી-વારાણસી અને મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

Oct 29, 2026 | 17:20 | By JAMNAGAR MIRROR
ગુજરાતને બે નવી ટ્રેનની ભેટ, વડાપ્રધાન મોદી 30 ઑક્ટોબરે સાબરમતી-વારાણસી અને મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવશે
કાશી વિશ્વનાથ અને બહુચર માતાજીના ભક્તો માટે રેલવે દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાઓ શરૂ કરાવશે, જેનાથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ગુજરાતના રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવી છે, જેમાં આગામી 30 ઑક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બે નવી મહત્વની ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરમતી સ્ટેશન પર રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહેશે, જ્યારે બેચરાજી સ્ટેશન ખાતે પણ સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહીને આ સેવાનો પ્રારંભ કરાવશે. આ નવી રેલ સેવાઓ શરૂ થવાથી પ્રવાસન, સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળશે તેમજ દૈનિક મુસાફરો અને શ્રદ્ધાળુઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે.

અમદાવાદ મંડળના ડીઆરએમના જણાવ્યા અનુસાર, દૈનિક ચાલનારી નવી ટ્રેન નંબર 12205 સાબરમતીથી સવારે 05:20 વાગ્યે ઊપડીને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે, જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 12206 વારાણસીથી સાંજે 17:30 વાગ્યે ઊપડીને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પરત આવશે. આ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, જયપુર, આગ્રા જંક્શન, ટુંડલા અને સૂબેદારગંજ જેવા મોટાં સ્ટેશનો પર રોકાશે. બીજી તરફ મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન પણ સવાર અને સાંજની બે બેઠકોમાં દોડશે, જે ચાંદખેડા, કલોલ, કડી અને બેચરાજી જેવા રૂટ પર દોડીને ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત આપશે.

આ બંને નવી ટ્રેનો શરૂ થવાથી ખાસ કરીને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો પ્રવાસ ખૂબ જ સરળ અને આરામદાયક બની જશે. તેમજ બહુચરાજી જતા દર્શનાર્થીઓ માટે પણ ઉત્તમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. ભારતીય રેલવે સતત મુસાફર-કેન્દ્રીત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે ત્યારે આ ટ્રેનોથી ગુજરાતના પ્રવાસીઓને સીધો ફાયદો થશે અને સમયની સાથે સાથે મુસાફરી પણ વધુ સુરક્ષિત બનશે.

LATEST ARTICLES