JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગાંધીનગરના માણસામાં ડીજેના વિવાદે લીધો ખતરનાક વળાંક, ફાયરિંગ કેસમાં 10 આરોપીઓની ધરપકડ

Oct 29, 2026 | 16:50 | By JAMNAGAR MIRROR
ગાંધીનગરના માણસામાં ડીજેના વિવાદે લીધો ખતરનાક વળાંક, ફાયરિંગ કેસમાં 10 આરોપીઓની ધરપકડ
માણસાના વરસોડા ગામે નવરાત્રિ દરમિયાન ડીજે વગાડવા બાબતે થયેલા ઝઘડામાં આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક યુવકનો પગ કાપવાની કરુણ નોબત આવી હતી, ત્યારે પોલીસે સઘન તપાસ કરીને 10 જેટલા આરોપીઓને જેર કરી લીધા છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા ગામે નવરાત્રિના પર્વ દરમિયાન સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ કેટલો હિંસક બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટના પૂરું પાડે છે. ગત 18 તારીખે ફરિયાદી અરવિંદ ચાવડા અને આરોપી દિગ્વિજય ચાવડા વચ્ચે ડીજે સાઉન્ડ અને તેના અવાજ બાબતે બોલાચાલી થઈ હતી. આ નાની બાબતની અદાવત રાખીને દિગ્વિજયસિંહ અને તેના અન્ય સાથીદારો ઘાતક હથિયારો સાથે સજ્જ થઈને સીધા ખૂની હુમલો કરવાત્રાટક્યા હતા. આ માથાકૂટ દરમિયાન થયેલા ફાયરિંગમાં એક નિર્દોષ યુવકને ગોળી વાગી હતી, જેની ઇજા એટલી બધી ગંભીર હતી કે ડૉક્ટરોએ તેનો પગ કાપવો પડ્યો હતો અને હાલ તે હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહ્યો છે.

આ હિંસક ઘટના બાદ પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો તીવ્ર બનાવ્યા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે ખાસ 5 અલગ-અલગ ટીમો બનાવી હતી અને ટેક્નિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદ લીધી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 10 કુખ્યાત આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પકડાયેલા શખ્સોમાં જયદીપસિંહ રમણસિંહ ચાવડા, આદર્શસિંહ ઉર્ફે આદિરાજ ઘનશ્યામસિંહ ચાવડા, રાહુલસિંહ જીવણસિંહ ચાવડા (તમામ રહે. વરસોડા), નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ નિકુસિંહ રાઠોડ (રહે. વિજાપુર), ભાવીકસિંહ મુકેશસિંહ વાઘેલા, શક્તિરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા, ધર્મરાજસિંહ ગણપતસિંહ વાઘેલા (રહે. ગાંધીનગર), પુરમસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, તરૂણભાઇ મુકેશભાઇ રાવળ (રહે. માણસા) અને પ્રકાશ મુકેશભાઇ વણઝારા (રહે. માણસા) નો સમાવેશ થાય છે.

આ સનસનાટીભર્યા કિસ્સાને કારણે વરસોડા અને આસપાસના આખા પંથકમાં ભારે રોષ અને સન્નાટો છવાઈ ગયો છે. પોલીસે તમામ આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી દીધી છે તેમજ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો ક્યાંથી આવ્યા અને આ પ્રકરણમાં બીજા કોણ-કોણ સંડોવાયેલા છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડીજે જેવા તુચ્છ પ્રશ્ને બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા છે, ત્યારે પોલીસે પણ આવા ગુનેગારો સામે કડકથી કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

LATEST ARTICLES