JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ડિજિટલ ફ્રોડના શિકાર બનેલા લોકોને બેંકોએ વળતર આપવું જ પડશે: સુપ્રીમ કોર્ટ

Oct 29, 2026 | 16:42 | By JAMNAGAR MIRROR
ડિજિટલ ફ્રોડના શિકાર બનેલા લોકોને બેંકોએ વળતર આપવું જ પડશે: સુપ્રીમ કોર્ટ
ડિજિટલ અરેસ્ટ જેવા ફ્રોડ વધતા જતા હોવાથી બેંકોએ ગ્રાહકો માટે સંરક્ષક છત્ર સમાન કામ કરવું જોઈએ તેવી કડક ટકોર સુપ્રીમ કોર્ટે કરી છે. બેંકોની જવાબદારી નક્કી કરતા કોર્ટે શંકાસ્પદ અને મોટા ઉપાડ સામે તાત્કાલિક પગલાં લેવા માટે કહ્યું છે.

દેશમાં વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો અને મહત્વનો આદેશ આપ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બેંકોએ ડિજિટલ ફ્રોડના ભોગ બનેલા ગ્રાહકોને વળતર આપવું જ પડશે અને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. કોર્ટે એમ પણ ભાર મૂક્યો છે કે બેંકોએ ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડોનો ભોગ બનતા અસુરક્ષિત ગ્રાહકો માટે 'પ્રોટેક્ટિવ અમ્બ્રેલા' એટલે કે સંરક્ષક છત્ર તરીકે કામ કરવું જોઈએ. આ સુઓ મોટુ સુનાવણી દરમિયાન કોર્ટે બેંક સિસ્ટમની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ સુનાવણી દરમિયાન બેન્ચે એક ઉદાહરણ આપતા સવાલ કર્યો કે જ્યારે કોઈ રિટાયર્ડ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી અસાધારણ રીતે મોટા ઉપાડ થાય, ત્યારે બેંક સિસ્ટમ તેને રોકવા માટે સમયસર હસ્તક્ષેપ કેમ નથી કરતી? કોર્ટની આ ટકોર બાદ એટર્ની જનરલ આર. વેંકટરામણીએ જણાવ્યું હતું કે બેંકો હવે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનને ઓળખવામાં વધુ સક્ષમ બની રહી છે અને ગ્રાહકોની સુરક્ષા માટે નવા પ્રિવેન્ટિવ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જોકે, અવેરનેસ અભિયાન છતાં ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યા.

આ ગંભીર મામલે કોર્ટની સહાયતા કરી રહેલા અમિકસ ક્યુરીએ દેશના તમામ રાજ્યોની પોલીસ પાસેથી આ મુદ્દે વિસ્તૃત રિપોર્ટ અને સૂચનો માંગ્યા છે. સુપ્રીમ કોર્ટના આ કડક રૂખથી હવે બેંકિંગ સેક્ટરે સાયબર ફ્રોડ રોકવા માટે વધુ સજ્જ થવું પડશે અને ગ્રાહકોના નાણાંની સુરક્ષા માટે કડક પ્રોટોકોલ અપનાવવા પડશે તેવી પૂરી શક્યતા છે.

LATEST ARTICLES