આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન બાળકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે અને જમતી વખતે પણ તેઓ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોવાથી પરિવારના સભ્યો વચ્ચે વાતચીત સતત ઘટી રહી છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ઇટાલીના સારડિનિયા ટાપુ પર એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અહીંની કેટલીક રેસ્ટોરન્ટમાં હવે પરિવારોને જમતી વખતે સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો દૂર રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટે અને પરિવારના સભ્યો વચ્ચેનો પરસ્પર સંવાદ ફરીથી ધમધમતો થાય.
અ તાવોલા સેન્ઝા સ્કર્મી એટલે કે સ્ક્રીન વગરનું ભોજન નામની આ ખાસ પહેલ સારડિનિયાના બાળ અધિકાર લોકપાલ અન્ના કાઉ દ્વારા શરૂ કરવામાં આવી છે. આગામી સપ્તાહથી શરૂ કરીને 15 રેસ્ટોરન્ટમાં 1 મહિના માટે પ્રાયોગિક ધોરણે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે અને શરૂઆતના અનુભવના આધારે આ પહેલને અન્ય રેસ્ટોરન્ટ સુધી પણ વિસ્તારવામાં આવશે. આ નિયમ હેઠળ રેસ્ટોરન્ટમાં આવતા માતા-પિતા અને બાળકોએ પોતાના મોબાઈલ તથા અન્ય ગૅજેટ્સ સ્ટાફને સોંપવાના રહેશે અને બદલામાં તેમને એક ખાસ રીયુનિયન કિટ આપવામાં આવશે, જેમાં વિવિધ રમતો અને ચિત્રોનો સમાવેશ થાય છે.
ઇટાલિયન ફેડરેશન ઑફ પીડિયાટ્રિશિયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટ દ્વારા બાળકો દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ પરિવાર સાથે શેર કરી શકશે અને મોબાઈલ વિના એકબીજા સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશે. આ અભિયાનનો હેતુ કોઈ પર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ બાળકોમાં સ્વસ્થ ટેવો વિકસે તેવું અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં દુનિયાભરની અન્ય હોટલ અને રેસ્ટોરન્ટ પણ આ રસ્તે ચાલીને પરિવારને ફરીથી એક તાંતણે બાંધવાનો સુંદર પ્રયાસ કરી શકે છે.
