દેશના અર્થતંત્રને લઈને એક રાહતભર્યા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે જાહેર થયેલા નાણા મંત્રાલયના મંથલી ઇકોનોમિક રિપોર્ટ મુજબ, દેશના અર્થતંત્રમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વોર્ટર એટલે કે Q2માં વાસ્તવિક જીડીપી ગ્રોથ 7.35 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉના ક્વાર્ટરમાં આ ગ્રોથ રેટ 7.8 ટકા જેટલો શાનદાર રહ્યો હતો. મંત્રાલયના નાઉકાસ્ટિંગ મોડેલ દ્વારા આ આંકડા રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે દેશની ઇકોનોમી મજબૂત પાયા પર આગળ વધી રહી છે. આ વૃદ્ધિ પાછળ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, વીજળીની ખપત, પોર્ટ ટ્રાફિક, જીએસટી કલેક્શન અને ઓટોમોબાઈલ સેલ્સમાં થયેલો સારો વધારો જવાબદાર છે.
મંત્રાલયના આ આંકડાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ ભારતના વિકાસ દર અંગે સકારાત્મક અંદાજો મૂક્યા છે. આઈએમએફ દ્વારા નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો ગ્રોથ રેટ 7.0 ટકા અંકાયો છે, જ્યારે વર્લ્ડ બેંક, ઓઈસીડી અને આરબીઆઈ દ્વારા આ અંદાજ 7.1 ટકા રાખવામાં આવ્યો છે. બીજી બાજુ, પશ્ચિમ એશિયાની કટોકટી અને વૈશ્વિક મોંઘવારીના કારણે કેલેન્ડર વર્ષ 2026 માટે હેડલાઇન ઇન્ફ્લેશનનો અંદાજ અગાઉના 3.7 ટકાથી વધારીને 4.7 ટકા કરવામાં આવ્યો છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા ખરીફ સીઝનની ડુંગળીનું વેચાણ, ખાંડ પર સ્ટોક લિમિટ અને ખાદ્ય તેલો પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવા જેવા પગલાં લેવામાં આવ્યા છે, જે મોંઘવારી સામે લડવામાં મદદરૂપ બનશે.
આ તમામ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવો છતાં ભારતની વિદેશી મોરચે સ્થિતિ મજબૂત બનેલી છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મજબૂત નિકાસ અને સર્વિસ સેક્ટરના સરપ્લસના કારણે દેશનું ટ્રેડ બેલેન્સ જળવાઈ રહ્યું છે. આરબીઆઈની સક્રિય નાણાકીય નીતિઓ અને પૂરતા ફોરેક્સ રિઝર્વના કારણે દેશ પાસે હાલમાં 10.3 મહિનાનું કમ્ફર્ટેબલ ઇમ્પોર્ટ કવર ઉપલબ્ધ છે. જો કે આગામી સમયમાં અલ નીનોની અસર અને વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ પર ખાસ નજર રાખવી પડશે, પરંતુ હાલ પૂરતું ભારતનું અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે પણ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
