સમગ્ર દુનિયામાં વધતા જતા યુદ્ધો અને સંઘર્ષો વચ્ચે માસૂમ નાગરિકો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, જેમાં સૌથી મોટો ભોગ મહિલાઓ અને છોકરીઓ બની રહી છે. યુએન સેક્રેટરી-જનરલ દ્વારા 26 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવેલા મહિલા, શાંતિ અને સુરક્ષા પરના 2026ના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં યુદ્ધ અને હિંસામાં 37,000થી વધુ નાગરિકો માર્યા ગયા હતા, જેમાંથી દરરોજ ઓછીમાં ઓછી 25 મહિલાઓ અને છોકરીઓ મોતને ભેટી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે 2025માં યુદ્ધમાં માર્યા ગયેલા દર ચાર નાગરિકોમાંથી એક મહિલા કે છોકરી હતી, જે આંકડો 2021ની સરખામણીમાં બમણો છે.
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો વૈશ્વિક સ્તરે લગભગ 750 મિલિયન મહિલાઓ અને છોકરીઓ એવા વિસ્તારથી 50 કિલોમીટરની અંદર રહે છે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે, જે 2024 કરતા 40 મિલિયન વધુ છે. આ ઉપરાંત લગભગ 17 કરોડ મહિલાઓ અને છોકરીઓ એવા યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહે છે જ્યાં તેમને રોજના માત્ર 3 ડોલર એટલે કે આશરે 285 રૂપિયાથી ઓછા પર ગુજરાન ચલાવવું પડે છે. બીજી તરફ 2025માં વૈશ્વિક લશ્કરી ખર્ચ વધીને રેકોર્ડ $2.9 ટ્રિલિયન પર પહોંચી ગયો છે, તો બીજી બાજુ કટોકટીવાળા વિસ્તારોમાં કામ કરતી 40 ટકા મહિલા સંસ્થાઓને ભંડોળની અછતના કારણે આગામી સમયમાં પોતાની કામગીરી કાયમી કે અસ્થાયી ધોરણે બંધ કરવાનો ડર સતાવી રહ્યો છે. યુદ્ધગ્રસ્ત દેશોમાં સ્ત્રીઓ પુરુષો કરતા પાંચ ગણો વધુ સમય પગાર વગરના ઘરકામ અને પરિવારની સંભાળ પાછળ વિતાવે છે, અને 2025માં વિશ્વભરની 57 શાંતિ પ્રક્રિયાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર 5 ટકા જ રહી ગયું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુએન વુમનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીમા બાહૌસે ચિંતા વ્યક્ત કરી છે કે આજે સંઘર્ષમાં ફસાયેલી મહિલાઓની સંખ્યા દાયકાઓ કરતાં વધુ છે અને ડ્રોન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકો માટે જોખમ વધુ વધારી રહ્યો છે. યુએન દ્વારા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા વધારવા, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું કડક પાલન કરવા તેમજ શાંતિ નિર્માણની પ્રક્રિયાઓમાં મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો યુદ્ધનો આટલો મોટો બોજ મહિલાઓ પર પડતો હોય તો તેમને શાંતિ મંત્રણાઓમાંથી બાકાત રાખવી એ આગામી સમયમાં સમસ્યાઓને વધુ વકરાવી શકે છે.
