JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સોનું ખરીદતા કે વેચતા પહેલા જાણી લો ટેક્સના નિયમો, ફિઝિકલ ગોલ્ડથી લઈને SGB પર કેટલો લાગે છે ટેક્સ

Oct 29, 2026 | 14:35 | By JAMNAGAR MIRROR
સોનું ખરીદતા કે વેચતા પહેલા જાણી લો ટેક્સના નિયમો, ફિઝિકલ ગોલ્ડથી લઈને SGB પર કેટલો લાગે છે ટેક્સ
ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોમાં સોનાની ખરીદી-વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે ફિઝિકલ ગોલ્ડ, ગોલ્ડ ETFs, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ પર લાગનારા STCG, LTCG અને GSTના નિયમો વિશે અહીં સરળ ભાષામાં સમજો.

આપણા દેશમાં સોનામાં રોકાણ કરવું કે ઘરમાં સોનું રાખવું એ હંમેશાથી સલામત અને લોકપ્રિય રહ્યું છે. આજકાલ લોકો માત્ર ઘરેણાં કે સિક્કા પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગોલ્ડ ETFs, ફંડ ઓફ ફંડ્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ અને ડિજિટલ ગોલ્ડ જેવા માધ્યમો દ્વારા પણ રોકાણ કરીને નફો કમાઈ રહ્યા છે. પરંતુ, સોનાના આ રોકાણમાંથી મળતા નફા પર સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ પણ વસૂલવામાં આવે છે. તમે કયા પ્રકારની ગોલ્ડ સ્કીમમાં રોકાણ કર્યું છે અને તેને કેટલા સમય સુધી સાચવીને રાખ્યું છે, તેના આધારે ટેક્સ નક્કી થાય છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિંતન ઘેલાણીના જણાવ્યા અનુસાર, ફિઝિકલ સોના પર માત્ર વેચાણ વખતે જ નહીં પરંતુ ખરીદી વખતે પણ ટેક્સ લાગુ પડે છે. જો ફિઝિકલ ગોલ્ડ 24 મહિના કે તેથી ઓછા સમય માટે રાખવામાં આવે, તો તેના પર થતો નફો શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન (STCG) ગણાય છે, જે રોકાણકારના ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સપાત્ર બને છે. જો આ હોલ્ડિંગ પિરિયડ 24 મહિનાથી વધુ હોય, તો તે લોંગ-ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ગણાય છે અને ઇન્ડેક્સેશન વગર 12.5% ના દરે ટેક્સ લાગે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયામાં સોનું ખરીદીને 2 વર્ષ પછી 14 લાખ રૂપિયામાં વેચે, તો 4 લાખ રૂપિયાના નફા પર 12.5% લેખે ટેક્સ ચૂકવવો પડે છે. આ ઉપરાંત, જ્વેલરી ખરીદતી વખતે કુલ કિંમત પર 3% જીએસટી (GST) લાગે છે, જોકે જૂનું સોનું વેચતી વખતે જીએસટી લાગતો નથી.

ગોલ્ડ ETFs અને મ્યુચ્યુઅલ ફંડ્સના નિયમોમાં થોડો તફાવત જોવા મળે છે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ગોલ્ડ ETFs જો 12 મહિના કે તેથી ઓછા સમય માટે રખાય તો STCG અને 12 મહિનાથી વધુ સમય માટે રખાય તો 12.5% લેખે LTCG લાગે છે, જેમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવું 1.25 લાખ રૂપિયાની વાર્ષિક LTCG છૂટ મળતી નથી. જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કે FoF માટે હોલ્ડિંગ પિરિયડ 24 મહિનાનો નિયમ લાગુ પડે છે. બીજી તરફ, 1 એપ્રિલ 2026 થી સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGBs) ના નિયમો પણ બદલાયા છે, જેમાં મૂળ ઇશ્યુ વખતે ખરીદીને મેચ્યોરિટી સુધી સાચવનારને જ કેપિટલ ગેઇન ટેક્સમાંથી છૂટ મળે છે, જ્યારે સેકન્ડરી માર્કેટમાંથી ખરીદેલા SGB પર હોલ્ડિંગ પિરિયડ મુજબ ટેક્સ વસૂલાય છે. જો કે, SGB પર મળતું સમયાંતરનું વ્યાજ હંમેશા સ્લેબ રેટ મુજબ ટેક્સપાત્ર રહે છે અને આ ડિજિટલ ગોલ્ડ કે બોન્ડ્સની ખરીદી-વેચાણ પર સીધો જીએસટી નથી લાગતો, પરંતુ બ્રોકરેજ સર્વિસ પર 18% જીએસટી ચૂકવવો પડે છે.

LATEST ARTICLES