ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણકાર્ય સુધારવા અને લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવાની દિશામાં રાજ્ય સરકારે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિવિધ વિષયોના 2000થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા કોઈ પણ વિવાદ વગર પાર પડે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને મેરિટના આધારે ન્યાય મળે તે હેતુસર સરકારે ખાસ દેખરેખ રાખવા માટે 3 સભ્યોની એક વિશેષ કમિટીની રચના કરી છે. શાળા સંચાલક મંડળો દ્વારા આ ખાલી જગ્યાઓ ભરવાની માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી, જેથી હવે આ કમિટીના આગમનથી ભરતી પ્રક્રિયા ઝડપથી વેગ પકડશે તેવી પૂરી આશા છે.
રાજ્ય સરકારે આ મહત્વની જવાબદારી સોંપવા માટે જે 3 સભ્યોની કમિટી બનાવી છે, તેમાં હિંમતનગરના મિતેશ ભટ્ટ, સુરતના જીગ્નેશકુમાર પટેલ અને અમદાવાદના મનુભાઈ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં શિક્ષકો તેમજ શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જેનો કાર્યકાળ 1 વર્ષનો રહેશે. કમિટીના સભ્ય મનુભાઈ રાવલે જણાવ્યું છે કે હાલ રાજ્યની શાળાઓમાં અંગ્રેજી, ફિઝિક્સ અને મેથેમેટિક્સ જેવા અતિ મહત્વના વિષયોના શિક્ષકોની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડી રહી છે.
સરકારના આ નિર્ણયથી ગ્રાન્ટેડ શાળાઓમાં અટકેલી ભરતી પ્રક્રિયા હવે ઝડપથી આગળ વધશે અને પારદર્શક રીતે શિક્ષકોની પસંદગી થશે. કમિટીનું મુખ્ય કામ આખી ભરતી પ્રક્રિયા પર બાજ નજર રાખવાનું રહેશે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ વિના મેરિટના આધારે જ લાયક ઉમેદવારોની પસંદગી થઈ શકે. શિક્ષકોની ઘટને કારણે પ્રભાવિત થતા શિક્ષણકાર્યને આ ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ મોટી રાહત મળશે અને વિધાર્થીઓનું ભણતર વધુ સારું બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
