ભારતમાં વધતા ફિટનેસ કલ્ચર અને દોડવાના શોખને જોતાં વૈશ્વિક સ્પોર્ટસવેર બ્રાન્ડ્સ વચ્ચે મોટો જંગ શરૂ થયો છે. નાઈકીના સીઈઓ એલિયટ હિલની આગેવાની હેઠળ કંપનીએ સ્પોર્ટ્સને પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવી છે અને તેનો જ એક ભાગ એટલે ભારત માટે ખાસ ડિઝાઇન કરાયેલું પહેલું વેગામ રન શૂઝ. આ નવું શૂઝ ખાસ ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે, જે ગ્લોબલ સેલ્સમાં મંદી વચ્ચે કંપની માટે ભારતીય માર્કેટમાં મજબૂત પકડ બનાવવાની મોટી તક બની રહેશે. રિસર્ચ ફર્મ આઈએમએઆરસી ગ્રુપના રિપોર્ટ મુજબ, ભારતનું એથ્લેટિક ફૂટવેર માર્કેટ જે વર્ષ 2025માં 6.23 અબજ ડૉલર હતું, તે વધીને વર્ષ 2026માં 6.64 અબજ ડૉલર થઈ ગયું છે અને વર્ષ 2034 સુધીમાં તે 9.92 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેમાં એકલા રનિંગ શૂઝનો હિસ્સો 31.8% જેટલો છે.
નાઈકી દ્વારા લોન્ચ કરવામાં આવેલા વેગામ રન શૂઝની કિંમત માત્ર 3,795 રૂપિયા એટલે કે અંદાજે 40 ડૉલર રાખવામાં આવી છે, જે કંપનીની સામાન્ય રેન્જ કરતાં ઘણી પોષણક્ષમ છે. નાઈકી ઈન્ડિયાના જનરલ મેનેજર તરુણદીપ સિંહના જણાવ્યા મુજબ, ભારતમાં આજની યુવા પેઢીમાં રનિંગ પ્રત્યે અદ્ભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે કંપનીએ આ પ્રોડક્ટ માત્ર 55 દિવસમાં ડિઝાઈન કરી અને અંદાજે 5 મહિનામાં તેને માર્કેટમાં ઉતારી દીધી છે. આ શૂઝ 1 નવેમ્બરથી ફ્લિપકાર્ટ અને સિલેક્ટ સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે અને સ્પ્રિંગ 2027 સુધીમાં તેને દેશભરમાં ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ સિવાય નાઈકી બેંગલુરુમાં નવો કેમ્પસ પણ શરૂ કરવા જઈ રહી છે. માત્ર નાઈકી જ નહીં, પરંતુ જાપાનીઝ બ્રાન્ડ એસિક્સ પણ વર્ષ 2029 સુધીમાં ભારતમાં નંબર વન રનિંગ શૂઝ બ્રાન્ડ બનવાનું લક્ષ્ય ધરાવે છે, અને આગામી 5 વર્ષમાં વાર્ષિક 35% સુધીના ગ્રોથનું ટાર્ગેટ રાખી રહી છે. એસિક્સ ભારતમાં તેનું સ્થાન મજબૂત કરવા માટે લોકલ મેન્યુફેક્ચરિંગ પણ વધારી રહી છે અને હાલના 30% ઉત્પાદનને આગામી 3 વર્ષમાં 40% સુધી લઈ જવાની યોજના ધરાવે છે.
બીજી તરફ, એડીડાસ જેવી દિગ્ગજ કંપની પણ ભારતમાં તેનું ઉત્પાદન અને સોર્સિંગ સતત વધારી રહી છે. એડીડાસે તાજેતરમાં જ તમિલનાડુના કરુર ખાતે એવરવાન કોઠારી ફૂટવેર પ્લાન્ટનો પાયો નાખ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક બ્રાન્ડ્સ માટે ભારત કેટલું મહત્વનું માર્કેટ બની ગયું છે. નાઈકી પોષણક્ષમ કિંમતે નવું પ્રોડક્ટ લાવીને સામાન્ય ગ્રાહકો સુધી પહોંચવા માગે છે, જ્યારે એસિક્સ પ્રીમિયમ સેગમેન્ટમાં લીડર બનવા દોડ લગાવી રહી છે અને એડીડાસ સોર્સિંગ મજબૂત કરી રહી છે. તમામ બ્રાન્ડ્સની રણનીતિઓ અલગ છે, પરંતુ લક્ષ્ય એક જ છે કે ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો સમજીને આ વિશાળ બજારમાં પોતાનું આધિપત્ય જમાવવું.
