JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેનેડામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર, વર્ક પરમિટના નિયમોમાં થયો ફેરફાર

Oct 29, 2026 | 14:35 | By JAMNAGAR MIRROR
કેનેડામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર, વર્ક પરમિટના નિયમોમાં થયો ફેરફાર
કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC દ્વારા વર્ક પરમિટ અને LMIA પ્રક્રિયાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે LMIA પ્રક્રિયામાં વિલંબ થાય તો પાત્ર અરજીઓ પરનો નિર્ણય મુલતવી રાખવામાં આવશે, જેનાથી કેનેડામાં પહેલેથી નોકરી કરી રહેલા વિદેશી કામદારોને મોટી રાહત મળશે.

કેનેડામાં નોકરી કરવાની કે ત્યાં જઈને સ્થાયી થવાની ઇચ્છા રાખતા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC દ્વારા 28 ઑક્ટોબર, 2026ના રોજ અપડેટ કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ વર્ક પરમિટ મેળવવા માગતા વિદેશી કામદારો માટે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જો લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે LMIAની પ્રક્રિયા પૂરી થવામાં વિલંબ થાય, તો હવે પાત્ર અરજીઓ પરનો નિર્ણય સીધો રદ કરવાને બદલે LMIAનો સત્તાવાર નિર્ણય આવે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવશે. આ ફેરફાર ખાસ કરીને કેનેડાના શ્રમબજારમાં કામ કરતા અને પોતાની વર્ક પરમિટ રિન્યૂ કરાવવા માગતા કામદારો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ શકે છે.

કેનેડામાં કોઈપણ કંપનીએ વિદેશી કામદારને નોકરી પર રાખવા માટે રોજગાર અને સામાજિક વિકાસ વિભાગ પાસેથી LMIA મેળવવું ફરજિયાત હોય છે, જેના માટે કંપનીએ પ્રતિ પદ 1,000 કેનેડિયન ડૉલરની ફી ચૂકવવી પડે છે. આ દસ્તાવેજ દ્વારા એ તપાસવામાં આવે છે કે વિદેશી કામદારને રાખવાથી કેનેડાના સ્થાનિક શ્રમબજાર પર શી અસર પડશે. અગાઉની વ્યવસ્થામાં કોનકરન્ટ પ્રોસેસિંગ હેઠળ આવી અરજીઓને મહત્તમ 90 દિવસ સુધી પેન્ડિંગ રાખવાની છૂટ હતી, જેને અગાઉ 21 ઑગસ્ટ, 2026ના રોજ 60 દિવસથી વધારીને 90 દિવસ કરવામાં આવી હતી. નવી માર્ગદર્શિકા મુજબ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના છે કે જ્યાં સુધી LMIA પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પાત્ર અરજીઓ અંગે કોઈ ઉતાવળમાં નિર્ણય ન લેવો, જેથી પ્રક્રિયાગત વિલંબના કારણે કોઈપણ લાયક ઉમેદવારનું ભવિષ્ય જોખમમાં ન મુકાય.

જોકે, આ નવા નિયમનો અર્થ એવો નથી કાઢવાનો કે દરેક ભારતીય અરજદારને આપમેળે કેનેડાની વર્ક પરમિટ મળી જ જશે. વર્ક પરમિટ મેળવવા કે તેને લંબાવવા માટે અરજીની પાત્રતા, સકારાત્મક અથવા તટસ્થ LMIA અને અન્ય તમામ જરૂરી શરતો પૂર્વી અનિવાર્ય છે. કેનેડામાં પહેલેથી કામ કરતા અને પોતાની પરમિટના બે અઠવાડિયા અગાઉ અરજી કરનારા કામદારોને જ આનો લાભ મળી શકે છે. તેથી કેનેડામાં નોકરી મેળવવાની તૈયારી કરતા કે હાલમાં ત્યાં કાર્યરત ભારતીયોએ કોઈપણ પ્રકારની મૂંઝવણ ટાળવા માટે IRCCની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમામ નવા નિયમો અગાઉથી ચકાસી લેવા જોઈએ અને જરૂર પડે તો કોઈ સારા ઇમિગ્રેશન સલાહકારની મદદ લેવી જોઈએ.

LATEST ARTICLES