JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેલિફોર્નિયાના માઉન્ટ શાસ્તા પર બે રાત ફસાયેલા ફ્લોરિડાના ટ્રેકરનો ચમત્કારિક બચાવ

Oct 29, 2026 | 10:20 | By JAMNAGAR MIRROR
કેલિફોર્નિયાના માઉન્ટ શાસ્તા પર બે રાત ફસાયેલા ફ્લોરિડાના ટ્રેકરનો ચમત્કારિક બચાવ
ખોટા જીપીએસ રૂટને કારણે ગ્લેશિયરમાં ફસાઈને પગનું હાડકું ભાંગી બેઠેલા 39 વર્ષીય ટ્રેકરે માઈનસ તાપમાન અને 60 mph પવન વચ્ચે બે રાત વિતાવી. રેસ્ક્યુ ટીમ અને રેન્જર્સે ભારે જહેમત બાદ હેલિકોપ્ટર દ્વારા તેને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડ્યો.

કેલિફોર્નિયાના પ્રખ્યાત માઉન્ટ શાસ્તા પર્વત પર એક રોમાંચક અને જીવ સહેવાઈ જાય તેવો રેસ્ક્યુ ઓપરેશનનો કિસ્સો સામે આવ્યો છે. ફ્લોરિડાથી આવેલા 39 વર્ષીય એક ટ્રેકરે ખોટા જીપીએસ નેવિગેશનના કારણે જીવનું જોખમ ઊભું કર્યું હતું. 18 ઓક્ટોબર, રવિવારે બપોરે આશરે 3 વાગ્યે 14,179 ફૂટ ઊંચા શિખર સર કર્યા બાદ ઉતરતી વખતે ખોટા રસ્તે ચડી જવાથી તે ઉત્તર તરફના વ્હીટની ગ્લેશિયર પર પહોંચી ગયો હતો. આશરે 12,600 ફૂટની ઊંચાઈએ બરફની ખાડીમાં પડવાથી તેના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું અને તે ત્યાં જ ફસાઈ ગયો હતો. તેની પાસે પર્વતારોહણના યોગ્ય સાધનો પણ નહોતા અને તેણે માત્ર ટ્રેકિંગ શૂઝ તથા સામાન્ય સ્વેટપેન્ટ પહેરેલા હોવાથી ઠંડીનો પ્રકોપ વધ્યો હતો.

આ બનાવની જાણ થતાં જ સિસકિયુ કાઉન્ટી શરિફ ઓફિસ અને યુએસ ફોરેસ્ટ સર્વિસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સોમવારે સવારે બે ક્લાઈમ્બિંગ રેન્જર્સ ગ્લેશિયર પર ઘાયલ ટ્રેકર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા અને તેને પ્રાથમિક મેડિકલ સહાય આપી હતી. તે સમયે 50 થી 60 mph ની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન અને ગાડંઠ ઠંડીને કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું નહોતું, જેથી રેન્જર્સે ઘાયલ યુવક સાથે માઈનસ તાપમાનમાં બીજી રાત પણ પર્વત પર જ વિતાવી હતી. આ ઓપરેશનમાં 30 થી વધુ સર્ચ-એન્ડ-રેસ્ક્યુ જવાનો અને યુવા સ્વયંસેવકોની ટીમ જોડાઈ હતી, જેમણે ખતરનાક ખડકો અને જોખમી ભૂપ્રદેશ વચ્ચે ટેકનિકલ રોપ સિસ્ટમની મદદથી ઘાયલને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો હતો.

આખરે 20 ઓક્ટોબર, મંગળવારે બપોરે હવામાનમાં થોડો સુધારો થતાં કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલનું હેલિકોપ્ટર શસ્તિના પીક પાસે પહોંચ્યું હતું અને ટ્રેકરને એરલિફ્ટ કરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેના પગની ઈજા અને ફ્રોસ્ટબાઇટની સારવાર ચાલી રહી છે. પ્રશાસને ચેતવણી આપી છે કે પર્વતારોહણ કરતી વખતે માત્ર ઈલેક્ટ્રોનિક જીપીએસ પર ભરોસો ન રાખવો જોઈએ અને પૂરતી તૈયારી સાથે જ નીકળવું જરૂરી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે કુદરતના કોપ સામે માનવ સાહસ અને રેસ્ક્યુ ટીમની સખત મહેનત કેવી રીતે કોઈનો જીવ બચાવી શકે છે.

LATEST ARTICLES