સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને જામીનના મામલે સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. જમીન બિનખેતી એટલે કે એન.એ. મંજૂરીના પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતાં તેઓ હાલ જેલમાં છે. જેલમાંથી બહાર આવવા માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેમાં પોતાના ઘૂંટણની તબીબી સારવાર કરાવવી હોવાનો દાવો કર્યો હતો. જોકે, સર્વોચ્ચ અદાલતે તેમની આ દલીલ માન્ય રાખવાનો ઇનકાર કરીને જામીન અરજી સીધી ફગાવી દીધી છે. અગાઉ હાઇકોર્ટે પણ તેમની અરજી રદ કરી હતી અને સુપ્રીમ કોર્ટે પણ તે ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનું ટાળ્યું છે.
ઇડીની અત્યાર સુધીની સઘન તપાસમાં ઝાલાવાડ વિસ્તારમાં જમીન એન.એ. મંજૂરીની કુલ 842 અરજીઓ શંકાના ઘેરામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીથી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન આ અરજીઓની પ્રક્રિયામાં કુલ રૂ. 9.70 કરોડથી વધુની લાંચ લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને ડો. રાજેન્દ્ર પટેલના પોતાના જ કાળકાળ દરમિયાન જમીન એન.એ.ની 501 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને આ પ્રક્રિયામાં રૂ. 3.12 કરોડથી વધુની માતબર રકમ ગેરકાયદેસર રીતે મેળવ્યાનું બહાર આવ્યું છે. હાઇકોર્ટે પણ પોતાના ચુકાદામાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની કલમ 45 હેઠળની કડક જોગવાઈઓ અને શરતોના પાલન પર ભાર મૂક્યો હતો.
જમીન એન.એ. મંજૂરીના આકરા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોબાચારીના આ હાઈપ્રોફાઈલ કેસમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ જામીન નકારવામાં આવતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. કાયદાકીય શિકંજો વધુ મજબૂત બનતા હવે પૂર્વ કલેક્ટરની મુશ્કેલીઓ લાંબો સમય યથાવત રહે તેવી પૂરી શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં ઇડીની તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કાયદાકીય કાર્યવાહી શું રંગ લાવે છે તેના પર સૌની મીટ માંડયેલી છે.
