લખનૌમાં યોગી આદિત્યનાથ સરકાર દ્વારા સરકારી નોકરીઓ માટે ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ પામેલા ઉમેદવારોના કેરેક્ટર વેરિફિકેશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ વિરોધ પ્રદર્શન દરમિયાન સત્તા પરિવર્તનને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે સરકારે આ કડક પગલું ભરી લીધું છે. નવા નિયમ અનુસાર જો કોઈ યુવાન સરકાર કે સત્તા પલટાવવાના હેતુથી કરવામાં આવેલી કોઈ હિંસક ગતિવિધિઓમાં સંડોવાયેલો જણાશે, તો તેને સરકારી નોકરી આપવાથી સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રશાસનમાં શિસ્ત જાળવવાનો અને ગુનાહિત કે હિંસક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને દૂર રાખવાનો છે.
જોકે સરકારે આ મામલે રાહત પણ આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે માત્ર કોઈ વ્યક્તિની રાજકીય વિચારધારા અલગ હોવા માત્રથી તેને સરકારી નોકરી માટે અયોગ્ય જાહેર કરી શકાશે નહીં. આ ઉપરાંત, જો કોઈ ઉમેદવાર સામે માત્ર પોલીસમાં એફઆઈઆર નોંધાયેલી હોય કે પછી કોઈ કેસમાં ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ હોય, તો તેટલા માત્રથી તે ઓટોમેટિકલી નોકરી માટે ડિસક્વાલિફાય નહીં થાય. ઓથોરિટી માત્ર કોઈ કેસ દાખલ થયો છે કે કોઈ ચોક્કસ રાજકીય મત ધરાવે છે તેટલા જ કારણસર કોઈ ઉમેદવારનું એપ્લિકેશન રિજેક્ટ કરી શકશે નહીં.
આ સમગ્ર પ્રક્રિયામાં અંતિમ નિર્ણય માત્ર એફઆઈઆર કે કેસના આધારે નહીં, પરંતુ વેરિફિકેશન નિયમોમાં આવતી ચોક્કસ પરિસ્થિતિઓ અને હિંસક પ્રવૃત્તિઓમાં વાસ્તવિક સંડોવણીને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે. સરકારે પારદર્શિતા જાળવવા માટે આ નિયમો સ્પષ્ટ કરી દીધા છે જેથી કોઈ નિર્દોષ ઉમેદવાર અન્યાયનો ભોગ ન બને અને સાથે જ કાયદો અને વ્યવસ્થા સાથે ચેડાં કરનારા તત્વો સરકારી સિસ્ટમમાં પ્રવેશી ન શકે. આ નવા નિયમોથી યુપીમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે કેરેક્ટર વેરિફિકેશનનું પાસું વધુ સ્પષ્ટ અને કડક બન્યું છે.
