JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

તેલંગાણાની મહિલાને ઇન્કમ ટેક્સ વિવાદમાં મોટી રાહત, આઈટીએટીએ નોટિસો રદ કરી

Oct 29, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
તેલંગાણાની મહિલાને ઇન્કમ ટેક્સ વિવાદમાં મોટી રાહત, આઈટીએટીએ નોટિસો રદ કરી
બેંકમાં થયેલા કેશ ડિપોઝિટ અને પ્રોપર્ટી વેચાણના કેપિટલ ગેઇનને લઈને મુશ્કેલીમાં મુકાયેલી મહિલાને મોટી રાહત મળી છે. આઈટીએટી હૈદરાબાદ બેન્ચે 9 સપ્ટેમ્બર 2026ના રોજ મોટાભાગના ટેક્સ વિવાદો રદ કર્યા છે, જ્યારે એક નાના મુદ્દે ફરીથી વેરિફિકેશન કરવાનો આદેશ આપ્યો છે.

અસેસમેન્ટ યર 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરનાર તેલંગાણાની એક મહિલા સામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લાલ આંખ કરી હતી. અસેસિંગ ઓફિસરે બેંક ખાતામાં થયેલા 20.45 લાખ રૂપિયાના કેશ ડિપોઝિટ અને પ્રોપર્ટી વેચાણના 12.64 લાખ રૂપિયાના લોંગ-ટર્મ કેપિટલ ગેઇનને આવકમાં ગણાવી દીધા હતા. આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન મળવાને કારણે ટેક્સ ઓફિસરે 30 ડિસેમ્બર 2024ના રોજ ઓર્ડર કરીને મહિલાની કુલ આવક 33.09 લાખ રૂપિયા નક્કી કરી હતી. કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ સમક્ષ અપીલ ફગાવી દેવાયા બાદ આ મહિલાએ ઇન્કમ ટેક્સ અપેલાટ ટ્રિબ્યુનલ એટલે કે આઈટીએટી હૈદરાબાદ બેન્ચનો દરવાજો ખટખટાવ્યો હતો, જ્યાંથી તેને આ મોટી રાહત મળી છે.

ટ્રિબ્યુનલે કેસની સુનાવણી દરમિયાન પ્રોપર્ટીના વેચાણ અંગે સ્પષ્ટ કર્યું કે જે 316 ચોરસ યાર્ડ પ્રોપર્ટીના વેચાણના 12.64 લાખ રૂપિયા ટેક્સમાં ગણવામાં આવ્યા હતા, તે અસલમાં મહિલાની બે દીકરીઓની હતી જે તેમને ગિફ્ટ ડીડ દ્વારા મળી હતી. આ મહિલા તો માત્ર ખરીદનારને ક્લિયર ટાઈટલ મળે તે માટે કન્ફર્મિંગ પાર્ટી તરીકે જોડાઈ હતી, જેથી તે પ્રોપર્ટીની વાસ્તવિક માલિક નહોતી. તેથી કોર્ટે 12.64 લાખ રૂપિયાની કેપિટલ ગેઇનની એડિશન રદ કરી દીધી હતી. આ ઉપરાંત, બેંકમાં જમા થયેલા 20.45 લાખ રૂપિયામાંથી 16.95 લાખ રૂપિયા ફેમિલી પ્રોપર્ટીના વેચાણના હોવાનું સાબિત થયું હતું, કારણ કે દીકરીઓના નામે વેચાણ થયાના દિવસે જ આ રકમ ખાતામાં જમા કરાઈ હતી. પરિવારના મોભી હોવાના નાતે નાણાં વહેંચવા માટે આ રકમ પોતાના ખાતામાં જમા કરાવી હોવાની દલીલ આઈટીએટીએ સ્વીકારીને આ રકમ પણ માફ કરી દીધી હતી.

બાકી રહેલી રકમમાંથી 1 લાખ રૂપિયા પરિવારની સેવિંગ્સ અને પેન્શનમાંથી આવ્યા હોવાની દલીલ પણ ટ્રિબ્યુનલે માન્ય રાખી હતી, જ્યારે માત્ર 1.90 લાખ રૂપિયાના ચિટ-ફંડના દાવા અંગે પૂરતા પુરાવા ન મળવાને કારણે તે મુદ્દો ફરીથી વેરિફિકેશન માટે અસેસિંગ ઓફિસર પાસે પાછો મોકલ્યો છે. આ કેસ સાબિત કરે છે કે જો કોઈ વ્યક્તિ પાસે પ્રોપર્ટીના કાગળો, વેચાણની રસીદો અને બેંક ટ્રાન્ઝેક્શનના યોગ્ય પુરાવા હોય, તો તે ઇન્કમ ટેક્સના મોટા વિવાદોમાંથી આસાનીથી બહાર આવી શકે છે. કરદાતાઓએ ભવિષ્યની કોઈપણ મુશ્કેલીથી બચવા માટે હંમેશાં પોતાના નાણાકીય વ્યવહારો અને પ્રોપર્ટીના દસ્તાવેજો વ્યવસ્થિત સાચવીને રાખવા જોઈએ.

LATEST ARTICLES