JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

કેનેડા સાથે વેપાર વધારવા પર ભાર, વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં રિસર્ચ અને સ્કિલ્સ પર રહેશે ફોકસ

Oct 29, 2026 | 10:16 | By JAMNAGAR MIRROR
કેનેડા સાથે વેપાર વધારવા પર ભાર, વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં રિસર્ચ અને સ્કિલ્સ પર રહેશે ફોકસ
અમદાવાદની મુલાકાતે આવેલા કેનેડાના હાઈ કમિશનર ક્રિસ કૂટરે દ્વિપક્ષીય સંબંધો પર ખુલીને વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2030 સુધીમાં વેપાર બમણો કરવાનો ટાર્ગેટ છે, જ્યારે વિઝા પ્રક્રિયાને વધુ સરળ બનાવાશે પરંતુ હાલ ગુજરાતમાં નવી ઓફિસ શરૂ કરવાની કોઈ જ યોજના નથી.

અમદાવાદની ખાસ મુલાકાતે આવેલા કેનેડાના હાઈ કમિશનર ક્રિસ કૂટરે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો, વેપાર અને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યને લઈને મહત્વના ખુલાસા કર્યા છે. તેમણે અમદાવાદ યુનિવર્સિટી અને GIFT સિટીની મુલાકાત લીધા બાદ શૈક્ષણિક સહકાર અંગે ચર્ચા કરી હતી. હાઈ કમિશનરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં માત્ર કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર નહીં, પરંતુ ઉચ્ચ અભ્યાસ, રિસર્ચ અને બંને દેશોની જરૂરિયાત મુજબના કૌશલ્યો વિકસાવવા પર વધુ ભાર મૂકવામાં આવશે. બદલાતા સમયમાં AI અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને યુવાનોને યોગ્ય તાલીમ મળે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.

વિઝા પ્રક્રિયા અંગે વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કેનેડાની નવી વિઝા ઓફિસ શરૂ કરવાની હાલ કોઈ યોજના નથી, પરંતુ ભારતમાંથી વિઝા માટે અરજી કરનારાઓ માટે આખી પ્રોસેસ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે. બંને દેશો વચ્ચેના વેપારને વેગ આપવા માટે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો મોટો લક્ષ્યાંક રખાયો છે. આ દિશામાં આગળ વધીને કેનેડાના ટ્રેડ મિશનરની આગેવાનીમાં આશરે 150 કંપનીઓ અને 260 પ્રતિનિધિઓનું સૌથી મોટું વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારત આવી ચૂક્યું છે. હાલ ગુજરાતમાં મેગ્ના અને મેકકેઈન જેવી 16થી વધુ કેનેડિયન કંપનીઓ સફળતાપૂર્વક કામ કરી રહી છે અને મેકકેઈન દ્વારા તો પોતાના બિઝનેસના મોટા વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે.

આગામી સમયમાં કેનેડાના પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો ભારતના રોડ જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કરવા માટે ઉત્સુક છે. આ ઉપરાંત AI, સ્પેસ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ બંને દેશો હાથ મિલાવીને આગળ વધશે. પશ્ચિમ એશિયાની વર્તમાન કટોકટી અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે તેની પરોક્ષ અસર વેપાર પર પડી શકે છે, પરંતુ તેલ, કુદરતી ગેસ અને યુરેનિયમ જેવા સંસાધનો ધરાવતું કેનેડા ભારત માટે ઊર્જા ક્ષેત્રે એક મજબૂત અને ભરોસાપાત્ર વૈકલ્પિક ભાગીદાર સાબિત થઈ શકે છે.

LATEST ARTICLES