JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સે રચ્યો ઈતિહાસ, લિસ્ટિંગ સાથે જ બન્યો દેશનો સૌથી વધુ શેરધારકો ધરાવતો સ્ટોક

Oct 29, 2026 | 10:16 | By JAMNAGAR MIRROR
જિયો પ્લેટફોર્મ્સે રચ્યો ઈતિહાસ, લિસ્ટિંગ સાથે જ બન્યો દેશનો સૌથી વધુ શેરધારકો ધરાવતો સ્ટોક
મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સે શેરબજારમાં ઐતિહાસિક શરૂઆત કરી છે. IPO બાદ કંપનીના શેરધારકોની સંખ્યા વધીને 79.6 લાખ પર પહોંચી ગઈ છે અને તેણે દેશની અન્ય તમામ મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે.

ભારતીય શેરબજારમાં મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મ્સે ઐતિહાસિક શરૂઆત કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કંપનીના IPO બાદ જિયો પ્લેટફોર્મ્સ 79.6 લાખ શેરધારકો સાથે દેશમાં સૌથી વધુ શેરધારકો ધરાવતી લિસ્ટેડ કંપની બની ગઈ છે. આ જબરદસ્ત સફળતા સાથે જિયોએ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, વોડાફોન આઇડિયા અને પોતાની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી દિગ્ગજ કંપનીઓને પણ પાછળ છોડી દીધી છે. નોંધનીય છે કે IPO પહેલાં કંપની પાસે માત્ર 104 શેરધારકો હતા, પરંતુ શેરબજારમાં શાનદાર એન્ટ્રી બાદ આ સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

જિયો પ્લેટફોર્મ્સના આ IPOને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ પબ્લિક ઇશ્યૂ માટે 1.38 કરોડથી વધુ અરજીઓ મળી હતી અને બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન કુલ રૂ. 7.4 લાખ કરોડની જંગી માંગ નોંધાઈ હતી. કંપનીના શેર રૂ. 1,119ની ઇશ્યૂ કિંમત સામે આશરે 21.36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1,358 પર લિસ્ટ થયા હતા. ટ્રેડિંગના અંતે શેર રૂ. 1,417.35 પર બંધ થયો હતો, જેનાથી કંપનીનું બજારમૂલ્ય વધીને આશરે રૂ. 12.53 લાખ કરોડ થઈ ગયું હતું. શેરધારકોની સંખ્યાની સરખામણી કરીએ તો ટાટા મોટર્સ પાસે આશરે 66.3 લાખ, વોડાફોન આઇડિયા પાસે 57.9 લાખ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે 50.7 લાખ શેરધારકો છે.

આ લિસ્ટિંગ બાદ જિયો પાસે રિલાયન્સ જિયો ઇન્ફોકોમના દેવાની ચુકવણી માટે રૂ. 27,500 કરોડ સુધીની રકમ વાપરવાની યોજના છે, જે કંપનીના નાણાકીય માળખાને વધુ મજબૂત બનાવશે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જિયો પ્લેટફોર્મ્સનો આશરે 64.4 ટકા હિસ્સો છે જ્યારે મેટા અને ગૂગલ પણ તેના મુખ્ય રોકાણકારો છે. જોકે, બજારના નિષ્ણાતોનું માનવું છે કે શેરધારકોની આટલી મોટી સંખ્યા અને પ્રીમિયમ લિસ્ટિંગ ભવિષ્યના રિટર્નની ખાતરી આપતા નથી, તેથી રોકાણકારોએ લાંબા ગાળાની વૃદ્ધિ અને નાણાકીય પરિણામોનું પૃથ્થકરણ કરીને જ આગળ વધવું જોઈએ.

LATEST ARTICLES