સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હાલ હલચલ મચી ગઈ છે કારણ કે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાબર ડેરી અને સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના નવા હોદ્દેદારો માટે ચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે. આગામી 6 નવેમ્બરે ધનતેરસના પવિત્ર દિવસે હિંમતનગર સ્થિત સાબર ડેરીની કચેરી ખાતે આ ચૂંટણીની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બંને સંસ્થાઓના વર્તમાન અઢી વર્ષની મુદતના અંતે આ ચૂંટણી યોજાઈ રહી હોવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ચૂંટણીના કાર્યક્રમ મુજબ, સાબર ડેરીની ચૂંટણી સવારે 11 વાગ્યે શરૂ થશે, જેમાં સવારે 11થી 11:10 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે, 11:10થી 11:15 વાગ્યા સુધી ચકાસણી થશે અને 11:15થી 11:25 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે ઉમેદવારોની યાદી જાહેર કરીને જરૂર પડ્યે સવારે 11:40થી બપોરે 12 વાગ્યા સુધી મતદાન યોજાશે અને બપોરે 12 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત, સાબરકાંઠા બેંકની ચૂંટણી બપોરે 1 વાગ્યે યોજાશે. હાલ સાબર ડેરીમાં શામળભાઈ બી. પટેલ ચેરમેન અને ઋતુરાજ ડાહ્યાભાઈ પટેલ વાઈસ ચેરમેન છે, જ્યારે સાબરકાંઠા બેંકમાં હંસાબેન મુકેશભાઈ પટેલ ચેરમેન અને ભીખાજી દુધાજી ઠાકોર વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
અગાઉ સાબરકાંઠા બેંકના ચેરમેનપદને લઈને સભાસદોની યાદીમાં કથિત છેડછાડના આક્ષેપો અને કોર્ટના ફોજદારી કેસના આદેશ જેવા વિવાદો પણ ચર્ચામાં રહ્યા છે, જોકે આ ચૂંટણી પર તેની શી અસર પડશે તે આગામી સમયમાં જ ખબર પડશે. જિલ્લાની સહકારી વ્યવસ્થામાં મોટું સ્થાન ધરાવતી આ બંને સંસ્થાઓની ચૂંટણીમાં નવા ચહેરાઓને તક મળે છે કે જૂના જોગીઓ જ જળવાઈ રહે છે તે તો 6 નવેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
