દિલ્હીમાં દિવાળી પહેલા લોકોને ઘરે બેઠા આલ્કોહોલ બુક કરવાની છૂટ આપતી નવી સ્કીમ સામે આમ આદમી પાર્ટી (AAP) આક્રમક મૂડમાં આવી ગઈ છે. AAPના દિલ્હી સ્ટેટ પ્રેસિડેન્ટ સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારના આ નિર્ણય સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આ સરકારની નીતિને કટાક્ષમાં હર-હર રેખા, ઘર-ઘર ઠેકા કહીને નવાજી હતી અને સીએમ રેખા ગુપ્તા પર પ્રહારો કર્યા હતા.
સૌરભ ભારદ્વાજે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીની હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ ડાયાલિસીસ અને દવાઓ માટે લાંબી કતારોમાં ઊભા રહે છે, પિંક કાર્ડ માટે મહિલાઓ હેરાન થાય છે અને એસઆઈઆર (SIR) તથા એસસી-એસટી કે ઇન્કમ સર્ટિફિકેટ માટે લોકો એસડીએમ ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સરકારને તેની કોઈ ચિંતા નથી. સરકાર માત્ર એવા લોકો માટે ચિંતિત છે જેઓ આલ્કોહોલ પીવા માટે લાઈનમાં ઊભા રહે છે અને તેમના માટે જ હોમ ડિલિવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
આપ નેતાએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં જો આ પોલિસી પાછી ખેંચવામાં નહીં આવે તો મંત્રી મજિંદર સિંહ સિરસાનું રાજીનામું લેવડાવવામાં આવશે. AAP દ્વારા દિલ્હીમાં એવું મોટું આંદોલન શરૂ કરવામાં આવશે કે પોલીસ પણ જોતી રહી જશે અને સરકારનું કામકાજ અટકાવી દેવામાં આવશે. સીએમ રેખા ગુપ્તાએ આ સ્કીમ તાત્કાલિક પાછી ખેંચીને દિલ્હીની મહિલાઓની માફી માંગવી જોઈએ તેવી માંગ પણ તેમણે દોહરાવી છે.
