રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફિલિપાઈન્સના સેબુ ખાતે યોજાયેલી ADMM-Plus ફોરમની બેઠકમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાન કે અન્ય દેશો તરફ ઈશારો કરતા સ્ટેટ-સ્પોન્સર્ડ ટેરરિઝમ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. ગુરુવારે આપેલા પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત ક્ષેત્રમાં સુરક્ષા વધારવા અને આતંકવાદને જડમૂળથી ઉખડી ફેંકવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રક્ષા મંત્રીએ ઉમેર્યું કે ભારતનો આતંકવાદ વિરોધી અનુભવ માત્ર પુસ્તકીય કે ક્લાસરૂમનું જ્ઞાન નથી, પરંતુ દાયકાઓ સુધી જમીની સ્તરે સરહદ પારના સુરક્ષા પડકારોનો સામનો કરીને મેળવવામાં આવ્યો છે અને આપણી દરેક રણનીતિ રિયલ-વર્લ્ડ ઓપરેશન્સમાં ટેસ્ટ થયેલી અને સાબિત થયેલી છે.
આ દરમિયાન તેમણે ગત વર્ષે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતે આતંકવાદીઓના મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઈટ્સનો સફાયો કરીને આતંકવાદ સામેની લડાઈનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે સ્ટેટ-સ્પોન્સર્ડ ટેરરિઝમ સામે ભારતની સ્પષ્ટ નીતિ દર્શાવે છે. રક્ષા મંત્રીએ એડીએમએમ-પ્લસના પાર્ટનર્સને ભારતનો આ પ્રાયોગિક અનુભવ શેર કરવા પર ભાર મૂકતા કહ્યું કે જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝ, કેપેસિટી-બિલ્ડિંગ પ્રોગ્રામ્સ અને મજબૂત ઈન્ટેલિજન્સ શૅરિંગ દ્વારા આપણે સૌ સાથે મળીને આપણી ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકીએ છીએ. તેમણે ઇન્ડો-પેસિફિક રીજનમાં શાંતિ, સુરક્ષા અને સ્ટેબિલિટી જાળવવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પોતાના સંબોધનની શરૂઆતમાં રક્ષા મંત્રીએ 23 ઓક્ટોબરના રોજ ફિલિપાઈન્સમાં થયેલા એરક્રાફ્ટ ક્રેશની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ફિલિપાઈન્સ એરફોર્સના 4 બહાદુર પાયલોટ્સના અસમય અવસાન પર ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે મુશ્કેલીના આ સમયમાં ભારત ફિલિપાઈન્સની આર્મ્ડ ફોર્સિસ અને પીડિત પરિવારજનો સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે આશિયાન (ASEAN) ની કેન્દ્રીય ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક રીજનની કલ્પના કરે છે, જ્યાં આશિયાન સાથેની અમારી રણનીતિક ભાગીદારી પરસ્પર આદર અને વ્યવહારુ સહયોગ પર આધારિત છે.
