દુનિયામાં અત્યાર સુધી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની જ ચર્ચા થતી હોય છે, પરંતુ હવે તેમાં ત્રીજા ધ્રુવનો ઉમેરો કરવાની માંગ ઉઠી છે. સિક્કિમમાં ભારત-ચીન બોર્ડર નજીક આવેલા નાથંગ વેલી ખાતે 28 ઓક્ટોબરથી રાજ્યના પહેલા હિમાલયન yak ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. યાક ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર થુપડેન લાચુંગપાએ આ ફેસ્ટિવલ દરમિયાન દુનિયા સમક્ષ એક રસપ્રદ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે હિમાલયની આગવી ઓળખ સમાન યાક પ્રાણીના સંરક્ષણ માટે 'હિમાલયન પોલ' અથવા 'યાક પોલ' નામે ત્રીજું ગ્લોબલ પોલ સ્થાપવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો હવે સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો હિમાલયની આ મૂલ્યવાન ધરોહર લુપ્ત થઈ જશે અને અન્ય કોઈ તેના પર પોતાનો હક જમાવી લેશે.
સિક્કિમના એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં હાઇ-એલ્ટિટ્યુડ બોર્ડર વિસ્તારની આકરી ઠંડી વચ્ચે અંદાજે 400 થી 500 યાક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાથંગ-માચોંગના MLA પામિન લેપચા પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હાઈ-એલ્ટિટ્યુડ વિસ્તારમાં આબોહવા ખૂબ જ કઠોર છે છતાં યાક પાલક સમુદાયને એકસાથે લાવવા અને પબ્લિક અવેરનેસ વધારવા માટે આ ઉત્સવ યોજાયો છે. આ ફેસ્ટિવલના પ્લેટફોર્મ પર યાકમાંથી બનતી પ્રોડક્ટ્સના સ્ટોલ્સની સાથે બ્રીડિંગ માટે એઆઈ ટેકનોલોજીના વિકાસનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આયોજકોનો હેતુ હાઇ-એલ્ટિટ્યુડ વિસ્તારોમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પશુપાલકો માટે સસ્ટેનેબલ આજીવિકા ઊભી કરવાનો છે.
આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને પરંપરાગત યાક પાલન તરફ પાછા વાળવાનો છે. લાચુંગપાના જણાવ્યા અનુસાર પૂરતું વળતર ન મળવાને કારણે આજની યુવા પેઢી આ વ્યવસાયથી દૂર જઈ રહી છે અને જો સરકાર તરફથી પ્રોત્સાહન તથા સબસીડી ન મળે તો આ સંસ્કૃતિ લુપ્ત થઈ શકે છે. આ પ્રકારના ફેસ્ટિવલના માધ્યમથી જુદા જુદા રાજ્યોના લોકો એકસાથે મળીને કલ્ચરની આપ-લે કરી શકે છે તેમજ યાકને થતી બીમારીઓ સામે લડવા માટે વધુ સારી રણનીતિ બનાવી શકે છે. આશા છે કે આ 'હિમાલયન પોલ' ના પ્રસ્તાવ અને સરકારી સમર્થનથી યાક સંરક્ષણ અને તેના પાલકોના ઉત્થાન માટેના પ્રયાસો વધુ મજબૂત બનશે.
