દિવાળીના તહેવારો નજીક આવતા જ બજારમાં કરોડો રૂપિયાની રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીનાની લેવડદેવડ તેમજ હેરફેર વધી જતી હોય છે. આ વ્યસ્ત માહોલનો ફાયદો ઉઠાવીને પરપ્રાંતીય ચીટર અને લૂંટારુ ગેંગો સક્રિય થઈને વેપારીઓને નિશાન ન બનાવે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આંગડિયા બજારો અને સંવેદનશીલ વેપારી વિસ્તારોમાં પોલીસે ખાસ તકેદારીના ભાગરૂપે જાગૃતિ ફેલાવતા પોસ્ટર્સ પણ લગાવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વેપારીઓ અગાઉથી જ સાવચેત રહે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તહેવારોમાં લૂંટ ચલાવતા મોટાભાગના ઇસમો બહારના રાજ્યના હોય છે અને તેઓ પોતાની મહિલા સાગરીતોની મદદથી દુકાનો આગળ રેકી કરાવીને સોનેરી તકની રાહ જોતા હોય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ૧૭ જેટલા કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવા માટે આદેશ અપાયા છે. જે અંતર્ગત કિંમતી સામાનવાળી બેગ અને વાહનોમાં જીપીએસ ડિવાઇસ હંમેશા ચાલુ રાખવા, દુકાનની અંદર-બહાર સ્પષ્ટ દેખાય તેવા સીસીટીવી કેમેરા લગાવવા અને કર્મચારીઓએ બોડીવોર્ન કે બટન કેમેરાનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, કટોકટી માટે કર્મચારીઓના મોબાઇલમાં પેનિક બટન રાખવા, કોઈ પીછો કરે તો તુરંત ૧૧૨ નંબર પર ફોન કરવા અને રોકડની અવરજવર વખતે એક જ રૂટ કે એકલદોકલ જવાનું ટાળીને ગ્રુપમાં અથવા મુખ્ય માર્ગોનો જ ઉપયોગ કરવા જેવી સૂચનાઓ અપાઈ છે.
આ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તમામ સ્ટાફ અને ઘરઘાટીનું પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે તેમજ સોનું કે રોકડ લઈને જતા કર્મચારીઓનો પૂરતો ઇન્સ્યોરન્સ પણ હોવો જરૂરી છે. ટ્રાન્સપોર્ટેશન માટે સુરક્ષિત ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલરનો ઉપયોગ કરવા સાથે બજાર અને દુકાનોના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ એલર્ટ રાખવા તથા માલિકોએ રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ કરવા સૂચના અપાઈ છે. સમગ્ર તહેવારો દરમિયાન આંગડિયા પેઢીઓ અને કુરિયર સર્વિસે સ્થાનિક પોલીસ સાથે સતત સંકલન જાળવીને ધંધો કરવા અપીલ કરવામાં આવી છે.
