રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે અને રાજપૂત રાષ્ટ્રીય સભા એટલે કે RRS તથા શાસક પક્ષ ભાજપ સામસામે આવી ગયા છે. સૌરાષ્ટ્રના નાગરિકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબી યાત્રા ન કરવી પડે તે માટે આ બેન્ચ અત્યંત જરૂરી હોવાનું સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે. ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો યાદ કરાવવા માટે હવે RRS ખુલ્લેઆમ મેદાને ઉતર્યું છે અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે આગામી સમયમાં અન્ય સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે.
રાજપૂત રાષ્ટ્રીય સભાના અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેન્ચ આપવાની સ્પષ્ટ જાહેરાત કરી હતી, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ સરકાર આ મહત્વપૂર્ણ વચન ભૂલી ગઈ છે. છેલ્લા 5 દાયકાથી માત્ર કોરા વાયદાઓ જ કરવામાં આવી રહ્યા છે પરંતુ પ્રજાને કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આ મુદ્દે સંગઠન દ્વારા સરકારને કડક વલણ અપનાવીને આગામી 30 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
જો નિર્ધારિત તારીખ એટલે કે 30 નવેમ્બર સુધીમાં આ ન્યાયિક માંગણી ધ્યાને નહીં લેવાય કે કોઈ ઉકેલ નહીં આવે, તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. RRS એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હાઇકોર્ટની બેન્ચ નહીં અપાય તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માંગ સાથે વ્યાપક ચળવળ શરૂ કરવામાં આવશે. દાયકાઓથી ચાલી આવતી આ લોકમાગણી પર હવે સરકાર કેવું પગલું ભરે છે તેના પર સૌની નજર ટકી રહી છે.
