વેસ્ટ બંગાળના રાજકારણમાં અત્યારે મોટો ગરમાવો આવ્યો છે અને ડાયમંડ હાર્બરથી TMC સાંસદ અભિષેક બેનર્જીએ વર્તમાન BJP સરકારની ચૂંટણીકીય વૈધતા પર સીધા સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અને કોર્ટના ઓબ્ઝર્વેશન બાદ અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પર આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અગાઉની ચૂંટાયેલી સરકારને તરત જ પરત લાવવી જોઈએ અને આગામી 6 મહિનાની અંદર રાજ્યમાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. તેમનું માનવું છે કે મતદાર યાદીમાંથી કાયદેસરના મતદારોને અન્યાય કરીને બહાર રાખવામાં આવ્યા છે, જેને સુધારવા ખૂબ જ જરૂરી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવાઈઝન એટલે કે SIR પ્રક્રિયા દરમિયાન વોટર્સની વિગતોની ચકાસણી માટે ઈલેક્શન કમિશન દ્વારા લોજિકલ ડિસ્ક્રિપેન્સી કેટેગરીના ઉપયોગની કાયદેસરતા અંગે હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો નથી. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જ્યોયમય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે એમ પણ કહ્યું કે વેસ્ટ બંગાળમાં આ પ્રક્રિયા માટે આપેલી મંજૂરી માત્ર એક ઇન્ટરિમ વ્યવસ્થા હતી અને બિહાર કેસનો આ મામલે અંતિમ નિર્ણય સાથે કોઈ સંબંધ નથી. આ મામલે પ્રતિક્રિયા આપતા અભિષેક બેનર્જીએ કટાક્ષ કર્યો હતો કે જો કોઈ મેનિપ્યુલેટેડ જનાદેશથી સરકાર બની જાય, તો પછી ચૂંટણીની પવિત્રતા કે લોકશાહીનું શું મહત્વ રહે?
દિલ્હી અને વેસ્ટ બંગાળમાં ચાલી રહેલી વોટર લિસ્ટ રિવિઝન પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હજુ કાનૂની તપાસ અને અંતિમ નિર્ણય બાકી છે, ત્યારે TMC નેતાની આ માંગને કારણે રાજકીય પારો ઊંચો આવી ગયો છે. અભિષેક બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે મતદારોને અન્યાયી રીતે મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે તેમને ફરીથી સામેલ કરવા અનિવાર્ય છે, જેથી ચૂંટણી પ્રક્રિયા પરની જનતાની શ્રદ્ધા જળવાઈ રહે અને લોકશાહીનું સાચું સ્વરૂપ બચી શકે.
