JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

યુપીમાં એમએલસી ચૂંટણી જીતીને સમાજવાદી પાર્ટીએ 2027ની વિધાનસભા ચૂંટણીના રણશિંગડા ફૂંક્યા

Oct 29, 2026 | 09:40 | By JAMNAGAR MIRROR
યુપીમાં એમએલસી ચૂંટણી જીતીને સમાજવાદી પાર્ટીએ 2027ની વિધાનસભા ચૂંટણીના રણશિંગડા ફૂંક્યા
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી એમએલસી ચૂંટણીની 5 બેઠકો પર સમાજવાદી પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. સાંસદ ડિમ્પલ યાદવે આ જીતને બદલાવની શરૂઆત ગણાવી છે, જ્યારે કોંગ્રેસ નેતા અજય રાયે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલમાં ગરમાવો આવી ગયો છે કારણ કે તાજેતરમાં યોજાયેલી ઉત્તર પ્રદેશ લેજિસ્લેચવર કાઉન્સિલ એટલે કે એમએલસીની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ શાનદાર દેખાવ કરતા કુલ 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર એવા વારાણસીમાં એસપીના ઉમેદવાર લાલ બિહારી યાદવે ટીચર્સ સીટ પર નોંધપાત્ર જીત હાંસલ કરી છે. આ પરિણામો બાદ એસપીના સાંસદ ડિમ્પલ યાદવે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટીની આ જીતથી રાજ્યમાં રાજકીય બદલાવનો મજબૂત પાયો નંખાયો છે.

રાજ્યભરમાં 11 એમએલસી બેઠકો માટે ચાલી રહેલી મતગણતરી વચ્ચે ડિમ્પલ યાદવે આ જીતને પીડીએ એટલે કે પિછડા, દલિત અને અલ્પસંખ્યક સમીકરણની મોટી તાકાત ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે શોષિતો, વંચિતો અને યુવાનોનો વિશ્વાસ માત્ર સમાજવાદી પાર્ટીની સાથે જ છે અને આ વિજય આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં એસપીની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનવાની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. આ દરમિયાન પીએમ મોદી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસ નેતા અજય રાયે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની આ ચૂંટણીમાં કોંગ્રેસ મેદાને નહોતી છતાં આ પરિણામોથી પીએમ મોદી અને ભાજપ ગભરાઈ ગયા છે અને આગામી સમયમાં ભાજપનો સફાયો નિશ્ચિત છે.

મતગણતરી કેન્દ્રો પર એસપીના વડા અખિલેશ યાદવે પણ પોતાના કાર્યકર્તાઓને સતર્ક રહેવા અને જીતનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ બહાર નીકળવા અપીલ કરી હતી. તેમણે કાર્યકર્તાઓને વિજયી સરઘસો કે ઉજવણી કરવાનું ટાળીને શાંતિપૂર્ણ રીતે સોશિયલ મીડિયા પર જીતની ઉજવણી કરવા સૂચના આપી હતી. બીજી તરફ 4 મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની કુલ 28 બેઠકો પર બેલેટ પેપરથી યોજાયેલી આ એમએલસી ચૂંટણીના પરિણામો અને કેટલાક સ્થળોએ હજુ પણ ચાલી રહેલી મતગણતરી પર દેશભરના રાજકીય પક્ષોની નજર ટકેલી છે.

LATEST ARTICLES