JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં પેન્ટાગોનનું મોટું ઓપરેશન, ટોચના મિલિટરી પ્લાનર બ્રેટ સિલ્વિયાને હટાવાયા

Oct 29, 2026 | 09:40 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં પેન્ટાગોનનું મોટું ઓપરેશન, ટોચના મિલિટરી પ્લાનર બ્રેટ સિલ્વિયાને હટાવાયા
ઈરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે પેન્ટાગોનના ટોચના મિલિટરી પ્લાનર લેફ્ટનન્ટ જનરલ બ્રેટ સિલ્વિયાને પદ પરથી હટાવી દીધા છે. આ સાથે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવા મિલિટરી ઓપરેશન પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલ છે અને મિડટર્મ ઈલેક્શન બાદ તણાવ વધુ વકરે તેવી શક્યતા છે.

અમેરિકાના વોશિંગ્ટનમાં ચાલી રહેલા રાજકીય અને સૈન્ય બદલાવો વચ્ચે ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે પેન્ટાગોનના ટોચના સ્ટ્રેટેજી પ્લાનર લેફ્ટનન્ટ જનરલ બ્રેટ સિલ્વિયાને બરતરફ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સાથે ચાલી રહેલા 8 મહિનાના લાંબા યુદ્ધ અને તણાવ વચ્ચે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિલ્વિયા જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ પર સ્ટ્રેટેજી, પ્લાન્સ એન્ડ પોલિસી એટલે કે J5 વિભાગના વડા તરીકે સેવા આપી રહ્યા હતા અને હેગસેથના કાર્યકાળમાં આ પદ પરથી હટાવાયેલા તેઓ બીજા જનરલ છે. આ અગાઉ તેમના પુરોગામી જનરલ જોસેફ મેક્ગીને પણ ગયા વર્ષના ઓક્ટોબરમાં રિટાયર થવાની ફરજ પડી હતી.

આ મામલે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી અને હાલ આ પદ પર કોઈ નવા રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મિડટર્મ ઈલેક્શન બાદ ઈરાન વિરુદ્ધ ફરીથી નવા મિલિટરી ઓપરેશન્સ શરૂ કરવાના વિકલ્પો વિચારી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ઈઝરાયેલ સાથે મળીને શરૂ કરેલા યુદ્ધને પૂરું કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકન અધિકારીઓએ મિડટર્મ ઈલેક્શન પછી સંભવિત મિલિટરી એક્શન અને ઈરાન દ્વારા પલટવારની આશંકાને ધ્યાનમાં રાખીને મિડલ ઈસ્ટના દેશો અને સહયોગીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. આ તૈયારીના ભાગરૂપે ક્ષેત્રમાં ત્રીજી એરક્રાફ્ટ કેરિયર અને હજારો વધારાના સૈનિકોને મોકલવામાં આવી રહ્યા છે.

પીટ હેગસેથના કાર્યકાળમાં અત્યાર સુધીમાં આશરે 20 જેટલા જનરલ્સ, એડમિરલ્સ અને અન્ય મિલિટરી લીડર્સને કાંતો કાઢી મૂકવામાં આવ્યા છે અથવા રિટાયર થવું પડ્યું છે. હેગસેથ દ્વારા 2027 સુધીમાં ટોચના ઓફિસરોની સંખ્યામાં 20% ઘટાડો કરવાનો આદેશ અપાયો છે, જેને તેઓ જવાબદારી અને લાંબા સમયથી જરૂરી બદલાવ ગણાવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસના કેટલાક સભ્યો અને સેનેટર માર્ક કેલ્સી જેવા દિગ્ગજોએ આ કાર્યવાહીને મિલિટરી લીડરશીપની પર્જ ગણાવીને આલોચના કરી છે કે આનાથી સેનાને ફરી બેઠી કરતા પેઢીઓ વીતી જશે. હાલ આ મોટા ફેરફારો વચ્ચે પેન્ટાગોન કે સૈન્ય વતી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

LATEST ARTICLES