સ્પૈનના સેન્ટ્રલ પ્રોવિન્સ ટોલેડોમાં બુધવારે સવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સરકારી ઓપરેટર RENFEની એક હાઈ-સ્પીડ ટ્રેન પાટા પર ઊભેલી IRYO ટ્રેનના પાછળના ભાગ સાથે જોરદાર ટકરાઈ હતી. આ ભયાનક ટક્કરને કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓછામાં ઓછા 64 લોકોના કરુણ મોત થયા હતા. કાસ્ટીલા-લા મંચાની પ્રાદેશિક સરકારના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 58 જેટલા ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમોએ કાટમાળ હટાવીને સર્વાઈવર્સ અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
રેલવે ઓપરેટર ADIFના જણાવ્યા મુજબ, બંને ટ્રેનો મૈડ્રિડથી સેવિલે તરફ દક્ષિણ દિશામાં જઈ રહી હતી ત્યારે ઉર્ડા અને લોસ યેબેનેઝ વચ્ચે આ અકસ્માત થયો હતો. સ્પૈનના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટેએ મૈડ્રિડમાં પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે રેલવે સેફ્ટી સિસ્ટમમાં કમ્પ્યુટર કોમ્યુનિકેશન ફેઈલ થવાને કારણે 63 કિલોમીટરના વિસ્તારમાં ટ્રેનો ઓટોમેટિક રોકાઈ ગઈ હતી. આ ટેકનિકલ ખામી બાદ એડિફ દ્વારા સિસ્ટમનું મેન્યુઅલ કંટ્રોલ લેવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેન કંટ્રોલરની ભૂલભરેલી સૂચનાઓને કારણે RENFE ટ્રેનને રેડ સિગ્નલ હોવા છતાં આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ટ્રેન અંદાજે 199 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી અને સવારે 8.36 થી 8.52 વાગ્યાની વચ્ચે ઊભેલી IRYO ટ્રેન સાથે ધડાકાભેર અથાઈ હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે જોરદાર આંચકો લાગ્યો હતો અને સામાન તથા મોબાઈલ હવામાં ફંગોળાઈ ગયા હતા.
આ વર્ષે જ સ્પૈનમાં આ બીજી મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ છે, અગાઉ જાન્યુઆરીમાં પણ કોર્ડોબા પ્રોવિન્સમાં આવી જ એક દુર્ઘટનામાં 40થી વધુ લોકોના મોત થયા હતા, જેના કારણે દેશના હાઈ-સ્પીડ રેલ નેટવર્કની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાઇમ મિનિસ્ટર પેડ્રો સાંચેઝે ઘટનાસ્થળની મુલાકાત લઈને સમગ્ર દેશમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને આ દુર્ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે. આ ગંભીર બેદરકારી પાછળના સાચા કારણો શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે મૈડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચેની ટ્રેન સર્વિસ હાલ પૂરતી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
