JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સ્પેનમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 68 લોકોના મોત, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના રાજીનામાની માંગ

Oct 29, 2026 | 08:25 | By JAMNAGAR MIRROR
સ્પેનમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 68 લોકોના મોત, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના રાજીનામાની માંગ
સ્પેનના કાસ્ટિલા-લા મંચા ક્ષેત્રમાં થયેલી ભયાનક ટ્રેન અથડામણમાં 68 લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ દેશમાં 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેડ યુનિયન સીએસઆઈએફ દ્વારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટેના રાજીનામાની માંગ કરવામાં આવી છે અને રેલવે સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

બુધવારે સ્પેનના મધ્ય ક્ષેત્ર કાસ્ટિલા-લા મંચામાં એક મોટો રેલવે અકસ્માત સર્જાયો હતો, જેમાં સરકારી ઓપરેટર રેન્ફેની એક ટ્રેને ખાનગી ઓપરેટર આઈરિયોની ઊભેલી ટ્રેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 68 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાને પગલે સ્પેન સરકાર દ્વારા ગુરુવારથી 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માતે દેશની રેલવે સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ખડા કરી દીધા છે કારણ કે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં સ્પેનમાં આ બીજી મોટી રેલવે દુર્ઘટના છે.

આ ગંભીર ઘટના બાદ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટેએ જણાવ્યું હતું કે ટ્રેક પર 69 કિલોમીટરના વિસ્તારમાં ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ ફેલ થવાથી ટ્રેનો થોભી ગઈ હતી, પરંતુ કંટ્રોલ સેન્ટરે બાદમાં ટ્રાફિક ચાલુ રાખ્યો હતો જેને તેમણે અતાર્કિક ગણાવ્યું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલી રેન્ફે ટ્રેન આઈરિયોની ઊભેલી ટ્રેનને અથડાયા પહેલાં લગભગ 25 કિલોમીટર સુધી ચાલી હતી. આ મામલે સ્પેનના ટ્રેડ યુનિયન સીએસઆઈએફ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને મિનિસ્ટર ઓસ્કાર પુએન્ટે પર રેલવે કર્મચારીને બલિનો બકરો બનાવવાનો આરોપ લગાવીને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે. યુનિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નિવેદન આપીને આ મામલે પારદર્શક તપાસની માંગ કરી છે અને સપ્ટેમ્બરમાં જ એડિફના શિડ્યુલમાં વધુ પડતા કામના કલાકો અંગે ચેતવણી આપી હોવાનું પણ યાદ અપાવ્યું છે.

આ ગંભીર અકસ્માત બાદ યુનિયને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્ટેનન્સ, નેટવર્ક અપગ્રેડ અને સેફટીમાં મોટા રોકાણની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી મહિનામાં દક્ષિણ સ્પેનમાં થયેલા અન્ય એક ટ્રેન અકસ્માતમાં 46 લોકોના મોત થયા હતા, જેની તપાસ હજુ પણ ચાલુ છે. હાલની દુર્ઘટનામાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર એડિફના ટ્રાફિક ઓપરેશન્સના અધિકારી સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કડક તપાસ અને જવાબદારી નક્કી કરવાના પગલાંથી આગામી સમયમાં રેલવે પ્રશાસનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

LATEST ARTICLES