JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકામાં મોટો ચુકાદો, કેલિફોર્નિયામાં 20,000 બેલેટ પેપર રદ્દ કરવાની ટ્રમ્પ પ્રશાસનની માંગ ફગાવી

Oct 29, 2026 | 08:35 | By JAMNAGAR MIRROR
અમેરિકામાં મોટો ચુકાદો, કેલિફોર્નિયામાં 20,000 બેલેટ પેપર રદ્દ કરવાની ટ્રમ્પ પ્રશાસનની માંગ ફગાવી
ફેડરલ જજે ચૂંટણીની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો ઇનકાર કરતા ટ્રમ્પ સરકારને ઝટકો આપ્યો છે. જજે સ્પષ્ટ કહ્યું કે જો પુરાવા વગર વોટ્સને બાજુ પર રાખવામાં આવશે તો લોકશાહી જોખમમાં મુકાશે. દરમિયાન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ચુકાદા સામે અપીલ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકામાં ચૂંટણી માહોલ વચ્ચે કેલિફોર્નિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. જજે કેલિફોર્નિયામાં અંદાજે 20,000 જેટલા મેલ-ઇન બેલેટ પેપર્સને રદ્દ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વોટર્સ નોન-સિટીઝન એટલે કે બિન-નાગરિક હોઈ શકે છે, પરંતુ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે આ પ્રકારના પગલાંથી ચાલુ ચૂંટણીની પ્રક્રિયામાં ભારે અરાજકતા ફેલાઈ શકે છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ડેવિડ ઓ કાર્ટરે બુધવારે આ ચુકાદો આપ્યો છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટની એ માંગ ફગાવી દીધી છે જેમાં વોટર્સની નાગરિકતાની સ્થિતિ ચકાસાય નહીં ત્યાં સુધી બેલેટની ગણતરી મોકૂફ રાખવા માટે કહેવાયું હતું.

આ સમગ્ર વિવાદની શરૂઆત ઓક્ટોબરના મધ્યમાં થઈ હતી જ્યારે રિપબ્લિકન પ્રશાસને કેલિફોર્નિયાના ઇલેક્શન અધિકારીઓ સામે કેસ કર્યો હતો. સરકારનો આરોપ હતો કે અધિકારીઓ ફેડરલ ઓથોરિટી દ્વારા શંકાસ્પદ જણાવાયેલા 20,000 બિન-નાગરિકોની યાદીની ચકાસણી માટેના 48 કલાકના સમય મર્યાદાના નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS એ દાવો કર્યો હતો કે 1,90,000 જેટલા રજિસ્ટર્ડ વોટર્સ વિદેશી નાગરિક હોવાને કારણે અયોગ્ય હોઈ શકે છે. જો કે, સ્થાનિક ઇલેક્શન અધિકારીઓએ તપાસમાં શોધી કાઢ્યું કે આમાંથી ઘણા નામો તો વોટર લિસ્ટમાંથી ગાયબ હતા અથવા સસ્પેન્ડેડ હતા, અને કેટલાક એવા પણ હતા જેઓ અમેરિકામાં જ જન્મ્યા હતા. જજ કાર્ટરે એમ પણ જણાવ્યું કે આ તબક્કે બેલેટને અલગ કરવાથી કાઉન્ટીઓને નવી પ્રોસિજર અપનાવવાની ફરજ પડશે અને નેશનલ વોટર રજિસ્ટ્રેશન એક્ટનું ઉલ્લંઘન થઈ શકે છે.

કોર્ટની કાર્યવાહી દરમિયાન એવું પણ સામે આવ્યું કે કેલિફોર્નિયામાં આ રાજ્યમાં અગાઉથી જ 3.7 મિલિયનથી વધુ લોકો મતદાન કરી ચૂક્યા છે અને 5,00,000 થી વધુ બેલેટ પ્રોસેસ પણ થઈ ગયા છે, જેને કારણે વ્યક્તિગત બેલેટને ટ્રેક કરવા લગભગ અશક્ય છે. જજ કાર્ટરે પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે લોકશાહીમાં ઘટેલો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરી શકાતો નથી અને જો એક્ઝિક્યુટિવ પાવર દ્વારા અસમર્થિત આક્ષેપોના આધારે ચાલુ ચૂંટણીને જોખમમાં મૂકવામાં આવે તો લોકશાહી ખતરામાં આવી જાય છે. બીજી તરફ, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ચુકાદા સામે તુરંત જ અપીલ કરવાની જાહેરાત કરી છે. ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલ એસાઇલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે દરરોજ ઇલેક્શન અધિકારીઓ દ્વારા બેલેટ પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે, અને આ ચાલુ ઇમરજન્સીથી અમેરિકન નાગરિકોના વોટનું મહત્વ ઘટી રહ્યું છે.

LATEST ARTICLES