JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકા અને જાપાન વચ્ચે મિસાઈલના સંયુક્ત ઉત્પાદન માટે મોટો કરાર

Oct 29, 2026 | 08:35 | By JAMNAGAR MIRROR
અમેરિકા અને જાપાન વચ્ચે મિસાઈલના સંયુક્ત ઉત્પાદન માટે મોટો કરાર
એશિયામાં વધી રહેલા ચીનના દબદબા વચ્ચે અમેરિકા અને જાપાન સંયુક્તપણે મિસાઈલ બનાવશે. ફિલિપાઈન્સમાં મળેલી ડિફેન્સ મિટિંગ દરમિયાન આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

ફિલિપાઈન્સના સેબુ શહેરમાં ચાલી રહેલી ડિફેન્સ ચીફ્સની વાર્ષિક મિટિંગ દરમિયાન અમેરિકા અને જાપાને એક મોટી રણનીતિક ભાગીદારીની જાહેરાત કરી છે. જાપાનના ડિફેન્સ મિનિસ્ટર શિંજિરો કોઇઝુમી અને યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ વચ્ચે મળેલી બેઠકમાં બંને દેશોએ જાપાનમાં જ અદ્યતન એર-ટૂ-એર મિસાઈલના સંયુક્ત ઉત્પાદન માટે જાપાનીઝ ફેસિલિટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એશિયામાં ચીનની વધતી જતી દાદાગીરી અને આક્રમક વલણ સામે બંને દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતા મજબૂત કરવા આ પગલું ભર્યું છે.

ઓપરેશન સુપરચાર્જ નામના આ સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ બનનારી આ મિસાઇલો દુનિયાના સૌથી આધુનિક એવા F-35 ફાઈટર જેટ્સ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે, જેનો ઉપયોગ જાપાનીઝ મિલિટરી પણ કરે છે. બેઠક બાદ કોઇઝુમીએ જણાવ્યું હતું કે પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ ગંભીર બની રહી છે અને જાપાન-યુએસ જોડાણની તાકાત વધારવા માટે આ કરાર ખૂબ જ જરૂરી હતો. બીજી તરફ, યુએસ ડિફેન્સ સેક્રેટરી હેગસેથે પણ આશિયાન દેશોની મિટિંગમાં સ્પષ્ટ કર્યું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની આક્રમકતા અને જબરદસ્તીને રોકવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

આ કરાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રમાં કાયદાના શાસન અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવવાનો છે, જેથી કોઈી એક દેશ તાકાતના જોરે સ્થિતિ બદલવાનો પ્રયાસ ન કરી શકે. સાઉથ ચાઈના સી અને ઈસ્ટ ચાઈના સીમાં ચાલી રહેલા ટકરાવ વચ્ચે આ પગલાને ખૂબ જ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સહિતના અન્ય સાથી દેશોએ પણ આ ક્ષેત્રમાં ફ્રીડમ ઓફ નેવિગેશન અને નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા માટે સમર્થન જાહેર કર્યું છે, જેનાથી આગામી સમયમાં એશિયા-પેસિફિક રીજનમાં સુરક્ષાદળ વધુ મજબૂત બનશે.

LATEST ARTICLES