કેલિફોર્નિયાના સેન કાર્લોસ ખાતે સેન્ટ્રલ મિડલ સ્કૂલમાં ભણતા 12 વર્ષના વિદ્યાર્થી બોવેન વાંગે ટેકનોલોજીની દુનિયામાં મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. તેનું ઘર સેન એન્ડ્રિયાસ ફોલ્ટથી માત્ર થોડા જ કિલોમીટર દૂર આવેલું હોવાથી તે અવારનવાર ધરતીકંપના ઝાટકા અનુભવતો હતો, જેણે તેને આ દિશામાં રિસર્ચ કરવાની પ્રેરણા આપી. મુખ્ય ધરતીકંપના સમયે હેડલાઇન્સ બનતી હોય છે પરંતુ ત્યારબાદ આવતા આફ્ટરશૉક્સ રેસ્ક્યુ ટીમ અને જનજીવન માટે મોટો ખતરો બની જાય છે. આ જ ગંભીરતાને સમજીને બોવેને એક એવું એઆઈ ટૂલ તૈયાર કર્યું છે જે મુખ્ય ભૂકંપ બાદ આફ્ટરશૉક્સ ક્યારે, ક્યાં અને કેટલી તીવ્રતાથી આવશે તેની સચોટ આગાહી કરી શકે છે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે બોવેને યુનાઇટેડ સ્ટેટ્સ જ્યોલોજિકલ સર્વે દ્વારા વર્ષ 1950થી 2025 સુધીના દાયકાઓનો ભૂકંપનો ડેટા એકત્રિત કર્યો હતો. તેણે ડેટાના આધારે લોજિસ્ટિક રિગ્રેશન, રેન્ડમ ફોરેસ્ટ અને એક્સજીબૂસ્ટ જેવા ત્રણ મશીન લર્નિંગ મોડેલ્સનું પરીક્ષણ કર્યું, જેમાં એક્સજીબૂસ્ટ સૌથી વધુ સચોટ સાબિત થયું. બોવેને આ મોડેલને એક યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસમાં સેટ કર્યું છે જેમાં ભૂકંપના મેગ્નિચ્યુડ, ડેપ્થ અને એપિસેન્ટર જેવી પ્રાથમિક વિગતો નાખતા જ સિસ્ટમ સંભવિત ખતરાની ભવિષ્યવાણી કરી દે છે. વોશિંગ્ટન ડીસીમાં સોસાયટી ફોર સાયન્સ દ્વારા આયોજિત 2026 થર્મો ફિશર સાયન્ટિફિક જુનિયર ઇનોવેટર્સ ચેલેન્જમાં તેને હજારો સ્પર્ધકોમાંથી આ અવોર્ડ અને 3,500 ડૉલરનું રોકડ ઈનામ મળ્યું છે.
કમ્પ્યુટર સાયન્સ ઉપરાંત બોવેન આઈસ હોકી રમે છે અને પુસ્તકો વાંચવાનો પણ શોખીન છે, જે તેને પ્રેશર વચ્ચે પણ ફોકસ રહેવામાં મદદ કરે છે. માત્ર 12 વર્ષની નાની ઉંમરે નેશનલ લેવલનું સન્માન મેળવનાર બોવેન ભવિષ્યમાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે અને ટકાઉ ડિઝાઇન દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે આધુનિક બાંધકામ ક્ષેત્રે પોતાની ફર્મ શરૂ કરવા ઈચ્છે છે. તેની આ સિદ્ધિ સાબિત કરે છે કે આજની યુવા પેઢી ટેકનોલોજીના માધ્યમથી સમાજની મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે.
