ડીસા તાલુકાના નાની આખોલમાં હરીપુરા પાટીયા નજીક માલગઢ રોડ પર શ્રી ગૌ સેવા સમિતિ બનાસકાંઠા સંચાલિત બનાસ ગૌ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ સંતો-મહંતો અને ગૌ સેવકોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગૌ માતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌ માતાના શુભ પ્રવેશ ટાણે ઉપસ્થિત સૌએ દર્શન અને પૂજન કરી મોં મીઠું કરાવ્યું હતું. આ ભવ્ય આયોજનના ભાગરૂપે નાની બાલિકાઓ દ્વારા એક વિશાળ કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેણે આખા વાતાવરણને શ્રદ્ધામય બનાવી દીધું હતું.
આ ગૌ હોસ્પિટલ શરૂ કરવાનો મુખ્ય હેતુ અશક્ત ગાયો, નિરાધાર અને બીમાર પશુઓ તેમજ લૂંલી-લંગડી અને અબોલ ગાયોને ઉત્તમ સારવાર અને આશરો પૂરો પાડવાનો છે. અહીં પશુઓને માત્ર મેડિકલ સારવાર જ નહીં, પરંતુ પીવા માટે શુદ્ધ પાણી અને પૂરતો ઘાસચારો પણ મળી રહે તેવી સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાકીય કાર્યના લોકાર્પણ સમારોહમાં પધારેલા તમામ મહેમાનોનું ગૌ સેવકો દ્વારા ખેસ અને ફૂલહાર પહેરાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં પરંતુ દાનવીર દાતાઓએ પણ ખુલ્લા હાથે દાન આપીને આ ભગીરથ કાર્યમાં પોતાની ઉદારતા દાખવી હતી.
આ ધાર્મિક અને સેવાકીય લોકાર્પણ પ્રસંગે ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નાની આખોલના મહિલા સરપંચ કમળાબેન પરમાર, દાનવીર ભામાશા ફુલચંદભાઈ કચ્છવા અને માલગઢ જિલ્લા પંચાયતના ડેલીગેટ મનોજભાઈ દેવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુરેશભાઈ કચ્છવા, અમૃતભાઈ દવે, કનુભાઈ જોષી તેમજ પથમેડાના સંતો, ટેટોડા આશ્રમના રામરતનજી મહારાજ, પાંથાવાડાના સદાગીરી બાપુ અને શંકરદાસજી બાપજી સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગૌ સેવકો જોડાયા હતા. આગામી સમયમાં આ હોસ્પિટલ પશુઓની સેવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.
