દેશના ગ્રામીણ અર્થતંત્રનો મૂડ દર્શાવતા ટ્રેક્ટરના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં છેલ્લા ૩ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી શકે છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાથી ખેતીના કામો અને ખેડૂતોની આવક પર સીધી અસર પડી છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ઓટોમોબાઈલ અને ટ્રેક્ટરની ડિમાન્ડ સતત ઘટી રહી છે. ગત નાણાકીય વર્ષમાં જીએસટી રેટ ઘટવા અને સારા વેચાણના ઊંચા બેઝ સામે આ વર્ષે ટ્રેક્ટરનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૦ ટકા સુધી ઘટી જવાની પૂરી શક્યતા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાં સામાન્ય કરતાં ૧૩ ટકા ઓછો વરસાદ અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, સાથે જ મોંઘવારી પણ વધી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાઇનાન્સર્સ કે બેંકોએ પણ લોન આપવામાં સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. ટ્રેક્ટર અને એગ્રીકલ્ચર મશીનરી બનાવતી કંપની સીએનએચ ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર તરુણ ખન્નાના જણાવ્યા મુજબ, આગામી ૨ થી ૩ ક્વાર્ટરમાં જળાશયોના તળિયા દેખાતા દક્ષિણ ભારતમાં આ મુશ્કેલી વધુ ઘેરી બની શકે છે. આ દરમિયાન ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ટ્રેક્ટરના વેચાણમાં ૧૦ થી ૧૫ ટકાનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. જો કે, ટ્રેક્ટર એન્ડ મેકૅનિઝાઈઝેશન એસોસિએશનના આંકડા મુજબ ચાલુ વર્ષના પહેલા હાફમાં ટ્રેક્ટરનું વેચાણ ૮ ટકા વધીને 610,000 યુનિટ પર પહોંચ્યું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
આ મંદીની સીધી અસર ગ્રામીણ બજાર પર આધારિત એન્ટ્રી-લેવલ કાર અને મોટરસાઇકલ પર પણ સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. કોલ્હાપુરના અગ્રણી ડીલર વિશાલ ચોડિયાના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ ૨૦ થી ૨૫ ટકા અને એન્ટ્રી-લેવલ ટુ-વ્હીલરનું વેચાણ ૨૫ થી ૨૭ ટકા સુધી ઘટી ગયું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના મહારાષ્ટ્રના ચેરમેન સચિન મહાજનના કહેવા પ્રમાણે, અનિયમિત વરસાદને કારણે ગ્રામીણ ગ્રાહકો અત્યારે ગાડીઓ ખરીદવાનું ટાળી રહ્યા છે અને સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં જૂન-સપ્ટેમ્બર ચોમાસાની સિઝનમાં ૧૯ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જેના કારણે આગામી સમયમાં ઓટો સેક્ટર માટે ગ્રામીણ બજારમાં પડકારો વધુ વધી શકે છે.
