દેશના પ્રતિષ્ઠિત અને 125 વર્ષ જૂના ગોદરેજ પરિવાર દ્વારા 2024માં તેમના બિઝનેસને બે શાખાઓમાં વહેંચવાનો નિર્ણય માત્ર નાણાકીય બાબત નહોતી, પણ નવી જનરેશનના બદલાતા વિચારોનું પરિણામ હતું. ગોદરેજ એન્ડ બોય્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જમશેદ એન. ગોદરેજે નોંધ્યું હતું કે બંને પરિવારમાં નવી જનરેશન આવતાં બિઝનેસને આગળ ધપાવવા માટે અલગ વિચારો સામે આવ્યા હતા. આ હકીકત આજે ભારતના મોટાભાગના ફેમિલી બિઝનેસ સામે છે, જ્યાં ત્રીજી અને ચોથી જનરેશનના વિચારો, કોર્પોરેટ સ્ટ્રેટેજી, વેલ્થ મેનેજમેન્ટ અને ગવર્નન્સ બાબતે અલગ મત હોય છે. જ્યારે ભારતમાં આગામી સમયમાં 1.3 ટ્રિલિયનથી 1.5 ટ્રિલિયન ડોલરની જંગી સંપત્તિ એક હાથથી બીજા હાથમાં જવાની છે, ત્યારે ગોદરેજનું આ ઉદાહરણ શીખવે છે કે સક્સેસન પ્લાનિંગ માત્ર કોણ શું ઉત્તરાધિકારી બનશે તે નક્કી કરવા પૂરતું નથી, પરંતુ મજબૂત ગવર્નન્સ સ્ટ્રક્ચર બનાવવાનું નામ છે જેથી પરિવારમાં ટકરાવ વગર સંપત્તિનો ગ્રોથ થઈ શકે.
દાયકાઓ સુધી ભારતમાં સક્સેસન પ્લાનિંગ એટલે કે માત્ર વારસદારો નક્કી કરવા, એસેટ્સ વહેંચવી અને વિલ કે ટ્રસ્ટ જેવા લીગલ સ્ટ્રક્ચર બનાવવા પૂરતું મર્યાદિત હતું, પરંતુ આજના સમયમાં આટલું પૂરતું નથી. આજે પરિવારો નાના થતા જાય છે અને ઇકોનોમિક ગ્રોથના કારણે થોડા જ વારસદારો પાસે મોટી માત્રામાં સંપત્તિ એકત્ર થઈ રહી છે. બીજી તરફ આજના સમયમાં જીઓપોલિટિકલ અસ્થિરતા, ક્લાઈમેટ રિસ્ક, અને AI જેવી ટેકનોલોજીના ઝડપી પ્રભાવથી બિઝનેસનું ભવિષ્ય અગાઉથી ધારવું મુશ્કેલ બન્યું છે. આથી સક્સેસન પ્લાનિંગ એવું હોવું જોઈએ જે પરિવારને માત્ર એક જ ભવિષ્ય માટે નહીં, પણ આવનારી અનેક સ્થિતિઓ માટે તૈયાર કરે. માત્ર એસેટ્સ ટ્રાન્સફર કરી દેવાથી નવી જનરેશન તેને સંભાળવા સક્ષમ નથી બનતી, પણ તેમને પ્રોફેશનલ એડવાઈઝર્સ અને ફેમિલી ઓફિસની મદદથી યોગ્ય તાલીમ અને મેન્ટરશિપ આપવી ખૂબ જરૂરી છે.
આજના બિઝનેસમેનોએ ભવિષ્યના વારસદારો માટે માત્ર રોકાણ કે બિઝનેસ સ્ટ્રેટેજી નહીં, પણ સમય સાથે બદલાઈ શકે તેવું ગવર્નન્સ ફ્રેમવર્ક વારસામાં આપવું જોઈએ. બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રનને માત્ર એટલી જ ખબર ન હોવી જોઈએ કે તેમની પાસે શું છે, પરંતુ તે એસેટ્સ કેવી રીતે બની અને તેની સાથે કઈ જવાબદારીઓ જોડાયેલી છે તેની પણ જાણ હોવી જોઈએ. વરિષ્ઠ સભ્યોએ યુવા સભ્યોને બિઝનેસ, રોકાણના નિર્ણયો અને ફેમિલી ગવર્નન્સમાં સામેલ કરવા જોઈએ જેથી તેઓ ફેમિલી વેલ્યુઝ અને રિસ્ક સમજતા થાય. ટ્રસ્ટ અને ઓનરશીપ સ્ટ્રક્ચરની સમીક્ષા સમયાંતરે કરતા રહેવું જોઈએ. અંતે, સફળ સક્સેસન પ્લાનિંગ એ નથી કે સંપત્તિ પેઢી દર પેઢી ટકી રહે, પણ મહત્ત્વનું એ છે કે આવનારી જનરેશન પાસે પારિવારિક એકતા જાળવી રાખીને તે સંપત્તિને સાચવવાની અને વધારવાની ક્ષમતા અને ડિસિપ્લિન છે કે નહીં.
