ગુજરાતમાં દર વર્ષે સાપ કરડવાના અંદાજે 5500 થી 6000 જેટલા કેસો સામે આવતા હોય છે, જેમાં ખાસ કરીને ચોમાસા અને ઉનાળાની સિઝનમાં જોખમ વધી જાય છે. ઘણીવાર અંતરિયાળ વિસ્તારોમાંથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોડું થવાથી અથવા ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને કારણે સમયનો બગાડ થાય છે અને માનવજીવ જોખમમાં મૂકાય છે. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે હવે 108 એમ્બ્યુલન્સ સેવાને વધુ મજબૂત બનાવી છે અને રાજ્યભરની તમામ 108 એમ્બ્યુલન્સમાં એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શનની સુવિધા પૂરી પાડી દીધી છે.
આ યોજના હેઠળ હવે 108 ની દરેક એમ્બ્યુલન્સમાં 10-10 એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે જેથી ગોલ્ડન અવરમાં જ દર્દીને તાત્કાલિક સારવાર મળી શકે. તબીબોના જણાવ્યા અનુસાર, સાપ ઝેરી છે કે બિનઝેરી તેની સાચી માહિતી ન હોય ત્યારે પણ દર્દીની સુરક્ષા ખાતર આ ઇન્જેક્શન આપી દેવામાં આવે છે કારણ કે શરીર પર તેની કોઈ આડ અસર થતી નથી. જો ઝેરી સાપ કરડે તો હાર્ટ ફેલ થવું, બીપી અસંતુલિત થવું, લોહી ગંઠાઈ જવું કે નર્વ સિસ્ટમ ફેલ થવા જેવી જાનલેવા અસરો થઈ શકે છે, જેને આ ઇન્જેક્શન સમયસર આપીને અટકાવી શકાય છે.
આ પ્રકારની કટોકટીના સમયે હવે હોસ્પિટલ પહોંચવાની રાહ જોયા વગર 108 ની ટીમ સીધા દર્દીના ઘરે કે ઘટનાસ્થળે જ પહોંચીને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને સંજીવની સમાન એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન આપી દે છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ક્યારેય પણ સર્પદંશની ઘટના બને ત્યારે જરાય ગભરાયા વગર કે સમય બગાડ્યા વગર તુરંત 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સની મદદ લેવી જેથી કિમતી જીવ બચાવી શકાય.
