નવી દિલ્હીમાં ટાટા જૂથના વિવાદને લઈને રાજકારણ ગરમાયું છે, જ્યાં કોંગ્રેસ MP રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આક્રમક નિવેદન આપતા દાવો કર્યો છે કે ટાટા કંપનીને ક્રિમિનલી નષ્ટ કરવામાં આવી રહી છે અને બિઝનેસ લિડર્સ ડરના કારણે એક શબ્દ પણ બોલતા નથી. તેમણે સરકાર પર નિશાન સાધતા લખ્યું હતું કે ભારતનો બિઝનેસ કોઈના હાથનું રમકડું નથી અને તેઓ આ ક્રાઈમ સામે ન્યાય સુનિશ્ચિત કરશે. રાહુલ ગાંધીના આ નિવેદનના થોડા જ કલાકોમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે રાહુલ ગાંધીએ દરેક મુદ્દાનું રાજકીયકરણ કરવાનું ટાળવું જોઈએ અને કોમર્શિયલ તથા લીગલ બાબતોને આડેધડ ક્રિમિનલ કહેવું સ્વીકાર્ય નથી.
નાણાં પ્રધાને રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા પૂછ્યું કે શું તેઓ બિઝનેસ લિડર્સને પોતાની ટોક્સિક ડ્રાઇવમાં જોડવા માટે ભડકાવી રહ્યા છે? તેમણે કોંગ્રેસના જૂના લાઇસન્સ-કોટા રાજની યાદ અપાવતા કહ્યું કે ભૂતકાળમાં તેમની પાર્ટીએ ભારતીય ઉદ્યોગસાહસિકોની ભાવનાને દબાવી દીધી હતી અને કરોડો લોકોને ગરીબીમાં ધકેલ્યા હતા. જ્યારે વર્તમાન સરકારે હંમેશા ઇન્ડસ્ટ્રીને જોબ ક્રિએટર્સ અને ઇકોનોમિક ગ્રોથના ડ્રાઇવર્સ તરીકે માન આપ્યું છે. સીતારમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ તમામ નાગરિકોને ન્યાય આપે છે અને દેશની કોર્ટ્સ તેની રક્ષા માટે સક્ષમ છે, તેથી સંકુચિત રાજકીય હેતુઓ માટે પાયાવિહોણા આક્ષેપો કરવા યોગ્ય નથી.
નાણાં પ્રધાનના આ પ્રહાર બાદ રાહુલ ગાંધી પણ ચૂપ ન રહ્યા અને વળતો સવાલ કર્યો કે કયા લીગલ અને કોમર્શિયલ મામલા માટે ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સને અમિત શાહના નિવાસ્થાને બોલાવવામાં આવ્યા હતા? તેમણે કટાક્ષ કર્યો કે દેશના ૩ થી ૪ ચુનંદા બિઝનેસમેનો સિવાય બાકીના તમામ બિઝનેસ પહેલેથી જ સરકારથી નારાજ છે અને તેમને કોઈને ભડકાવવાની જરૂર નથી. આ સમગ્ર ઘટનાક્રમે દેશના રાજકારણમાં અને બિઝનેસ જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ જૂથને લઈને શાસક અને વિરોધ પક્ષ સામસામે આવી ગયા છે.
