આણંદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે પોલીસે ખાસ કોમ્બિંગ નાઈટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કરમસદ ગાના રોડ પર આવેલા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. આ વખતે એક રીક્ષાને શંકાસ્પદ હાલતમાં ધક્કો મારીને લઈ જઈ રહેલા પાંચ શખ્સો પોલીસના ધ્યાને આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ શખ્સોને અટકાવીને તેમની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે તપાસ કરતા તેમની પાસેથી રીક્ષા ઉપરાંત એક હોન્ડા સિટી કાર અને 4 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. વાહનોના ચેસિસ અને એન્જિન નંબર તથા રજિસ્ટ્રેશનના આધારે તપાસ કરતાં રીક્ષા કરમસદના દિલીપકુમાર બાબુભાઈ બારૈયાની હોવાનું અને કાર બિલોદરાના કૃણાલભાઈ ચિરાગભાઈ જોષીની હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા આરોપીઓની સઘન પુછપરછ દરમિયાન ચિરાગ રમેશભાઈ રાવળે કબૂલાત કરી હતી કે તેણે અને તેના સાગરિતોએ જીજ્ઞેશ કનુભાઈ રાવળ સાથે મળીને મોગરી ગાના રોડ પર આવેલા સરદાર પટેલ નવા રોડ પાસેથી આશરે 2 દિવસ પહેલાં જ આ રીક્ષા ચોરી કરી હતી.
આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ રીક્ષા ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલી રીક્ષા, હોન્ડા સિટી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,85,000 નો મુદ્દામાલ કબજે કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ તો આ તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે વિદ્યાનગર પોલીસને સોંપવામાં આવ્યા છે, જેથી આ ગેંગના અન્ય કોઈ ગુનાઓ પણ બહાર આવી શકે.
